(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા નેતા મણિશંકર ઐયર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની કચેરીમાં દેખાયા હતા અને તેઓ કાર્યાલયની અંદર જઇ રહેલા ફોટા વાઇરલ થયા હતા. અહેવાલો અનુસાર ઐયર શુક્રવારે પાર્ટીના કાર્યાલયમાં ગયા હતા. દરમિયાન રાજકીય વર્તુળોમાં ઐયરના પાર્ટી કાર્યાલય પહોંચવા અંગે તર્કવિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી પર ઐયરે અપમાનજનક ટિપ્પણી કરતા કોંગ્રેસે તેમને પાર્ટીમાથી બહારનો માર્ગ દેખાડ્યો હતો. તેમને કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી બરતરફ કર્યા હતા. ઐયરની બરતરફી બાદ કોંગ્રેસે કહ્યું હતું કે, કોંગ્રેસનું ગાંધીવાદ આ જ છે અને વિરોધીઓ પ્રત્યે હંમેશા સન્માનની ભાવના રાખવી જોઇએ. કોંગ્રેસે ઐયરનેકારણદર્શક નોટિસ જારી કરી પ્રાથમિક સદસ્યતામાંથી કાઢી મુક્યા હતા. ઐયરની વિવાદિત ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ અને પીએમે કોંગ્રેસ પર હુમલો કરતા હંમેશા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસની સંસ્કૃતિ અને વિરાસત અલગ છે. મણિશંકર ઐયરે પ્રધાનમંત્રી અંગે જે ટોનમાં વાત કરી છે તે અયોગ્ય છે. કોંગ્રેસ અને મારી ઇચ્છા છે કે તેઓ પોતાના નિવેદન બદલ માફી માગે. જોકે, વિવાદ વધતા ઐયરે કહ્યું હતું કે, આ બધું અનુવાદની ભૂલને કારણે થયું છે અને તેમ છતાં આના કારણે લાગણી દુભાઇ હોય તો હું માફી માગું છું.