(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોના લિંચિંગ બાદ હત્યા કરવાના બનાવ અંગે તપાસ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. ટેલિફોનિક વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ગૃહ મંત્રીને બનાવની વિગતો આપી હતી અને ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે કયા પગલાં લીધા તેની વિગતો આપી હતી. ૧૬મી એપ્રિલની રાતે મુંબઇના ત્રણ રહેવાસીઓ કારમાં માર્ગ પર જઇ રહ્યા હતા ત્યારે સિલવાસા પાસે પાલઘર જિલ્લાના ગડકચિંચાલે ગામના સ્થાનિક લોકો દ્વારા તેમની લિંચિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી, તેઓને ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હતો. ત્રણ કિશોરો સહિત આ ઘટનામાં પોલીસે કુલ ૧૧૦ લોકોની અટકાયત કરી છે, પોલીસને શંકા છે કે, આ લોકો ઘટનામાં સામેલ હતા.