(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
આપણે ત્યાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, વેપારીનો પુત્ર ભણીગણીને પણ વેપારી જ બને પરંતુ પાલડી ટાગોરહોલની પાછળ પાર્ક વ્યુમાં રહેતા પાન મસાલાના હોલસેલ વેપારી રિઝવાનભાઈ અમદાનીના પુત્ર અનસે ધો.૧૦ની પરીક્ષામાં ૯૯.૭૭ પર્સન્ટાઈલ રેન્ક સાથે ૯૦ ટકાથી વધુ ગુણ મેળવી આઈ.ટી. એન્જિનિયર બનવા મન મક્કમ બનાવી અલગ જ ચિલો ચાતરવાનું નક્કી કર્યું છે. માર્ચ ર૦ર૦માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં પાલડીની ટ્રિનિટી ઈંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરતાં અમદાની અનસ રિઝવાનભાઈએ સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનમાં અને ગણિત એમ ત્રણે વિષયમાં ૯૪-૯૪ ગુણ તથા સંસ્કૃતમાં ૯ર ગુણ સાથે એ-ર ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં અનસની બહેન પણ ૯૯.૮૯ પર્સન્ટાઈલ રેંક સાથે ૯પ.૧૦ ટકા ગુણ મેળવી ઉત્તિર્ણ થઈ હતી. આમ મેમણ પરિવારના ભાઈ-બહેન તેજસ્વી કારકિર્દી સાથે આગળ વધી રહ્યા છે. અનસના પિતા રિઝવાનભાઈના જણાવ્યા મુજબ અનસ અભ્યાસમાં એકદમ બિન્દાસ છે. દિવસના ૩થી ૪ કલાક અભ્યાસ કરતો પરંતુ એ ગાળા દરમિયાન અભ્યાસમાં ખૂબ જ ડૂબી જતો હતો ત્યારબાદ ટીવી જોવું, ટયુશન જવું અને મોજમસ્તી કરી લાઈફ એન્જોય કરવી એ એનો નિત્યક્રમ હતો છતાં આટલા સારા ટકાએ તે પાસ થયો છે. આગળ તે એ ગ્રુપમાં પ્રવેશ મેળવી આઈ.ટી. એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવે છે. આથી અત્યારથી જ કલાસિસ જોઈન્ટ કરી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો છે.