અમદાવાદ, તા.૧૭
વિહિપના નેતા પ્રવિણ તોગડિયા લાપતા બન્યા બાદ વિહિપના કાર્યકરોએ પાલડી ચાર રસ્તા ખાતે દેખાવો કરી રસ્તા પરથી પસાર થતાં નિર્દોષ મુસ્લિમ શખ્સને મારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ, ગુજરાત દ્વારા ગતરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિતો સામે કાયદેસરના પગલાં ભરવા માગણી કરવામાં આવી હતી. અમદાવાદ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં અલ્પસંખ્યક અધિકાર મંચ ગુજરાતના એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, પાલડી ચાર રસ્તા ખાતે ૧૫/૧/૧૮ના રોજ વિહિપના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ સમયે ત્યાંથી એક્ટિવા લઈ પસાર થતાં દાઢી ધરાવતા મુસ્લિમ વૃદ્ધને માર મારી એક્ટિવાને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત મુસ્લિમોની બે રિક્ષાના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ તબક્કે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી મુસ્લિમોને વિહિપના કાર્યકરોના ટોળામાંથી બચાવ્યા હતા. જેનું સ્થાનિક ઈલેક્ટ્રોનિક મીડિયામાં કવરેજ પણ બતાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના ક્રમમાં મુસ્લિમોની કોઈપણ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા ન હોવા છતાં નિર્દોષ મુસ્લિમો સાથે આચરવામાં આવેલી હિંસાથી સમાજમાં ભય અને ધૃણાની લાગણી ઊભી થઈ છે. આ ઘટના પાલડી લાગણી ઊભી થઈ છે. આ ઘટના પાલડી ચાર રસ્તા ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આથી તેના આધારે વિહિપના કાર્યકરોની તાત્કાલિક ધરપકડ કરી તેમની સામે કાયદેસર પોલીસ ફરિયાદ કરી પગલાં ભરવા, મુસ્લિમ ઈજાગ્રસ્ત અને નુકસાન પામેલા વાહનચાલકોને વળતર આપવા તથા અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગણી કરવામાં આવી છે. જો દોષિતો સામે કાયદેસરના પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.