પાલનપુર, તા.૧૩
બનાસકાંઠા જિલ્લામાં કાતિલ કોરોના વાયરસની એન્ટ્રી થવા પામી છે. જ્યાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામના આધેડ અને વાવના મીઠાવી ચારણ ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. એક સાથે બે પોઝિટિવ કેસોના પગલે હરકતમાં આવેલા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક બંને ગામોમાં ટીમો દ્વારા સર્વે હાથ ધરી પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારજનો તેમજ અન્ય લોકોને શોધી હોમ ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સામાભાઈ ખેમાભાઈ પરમાર (ઉ.વ.૫૫) અને વાવના મીઠાવી ચારણ ગામના બાળક મહેક અરવિંદભાઈ વડાલિયા (ઉ.વ.૫ વર્ષ)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બંને ગામોમાં સઘન સર્વે કરવામાં આવ્યું છે : ડૉ. મનીષ ફેન્સી (જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા)
બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય તંત્રએ શનિવારે ફિલ્ડમાં જઇ ૮૩ જેટલાં લોકોના સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલ્યા હતા. જેમાં ડીસા- ૨૦, વડગામ- ૨૦, ચંડીસર- ૧૭, થરા- ૧૬ અને થરાદ-૧૦ મળી કુલ- ૮૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી બે જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યાં વાવના મીઠાવી ચારણ ગામે આરોગ્યની ૧૦ ટીમો દ્વારા ૨૫૦૦ લોકોનો સર્વે કરાયો છે. ગઠામણ ગામે પણ સઘન સર્વે કરી બંને ગામોમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા ૫૦થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેમજ અન્ય સંપર્કમાં આવેલા લોકો પણ નજીકના આરોગ્ય કર્મીનો સંપર્ક કરે તેવી અપીલ છે.
પાલનપુરના ગઠમણના આધેડ અને મઠાવી ગામના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Recent Comments