પાલનપુર, તા. ૧ર
મોત ક્યારે આવે છે તેની માનવીને ખબર નથી હોતી આવો જ એક ગોઝારો બનાવ પાલનપુર હાઈવે પર બનવા પામ્યો છે. જેમાં પૂરઝડપે આવી રહેલ ટેન્કર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ હોટલમાં ટ્રક ઘુસાડી દેતા અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવમાં હોટલમાં જમી રહેલા છ જણાના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૦ ઘાયલ થયા હતા. બનાવના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને બનાવને જોઈ હેબતાઈ ગયા હતા. બનાવ બાદ પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
બનાવની વિગત અનુસાર પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પાસે સવેરા હોટલ પાસે મોડી સાંજના ૬ઃ૩૦ વાગ્યાના સુમારે આબુરોડ તરફથી પૂરઝડપે ટેન્કર ચાલક આવી રહ્યો હતો. જેણે પોતાની ગાડી પરથી કાબુ ગુમાવતા રસ્તામાં ૪થી પ વાહનોને અડફેટે લઈ હોટલ સવેરામાં ઘુસાડી દેતાં નાશભાગ મચી જવા પામી હતી. જ્યારે ત્યાં ઊભેલ તથા જમી રહેલ લોકો પૈકી છ જણાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ૧૦થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. લોકોની ચીસાચીસથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. બનાવની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ કરતા ૧૦૮ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકો તથા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પણ મૃતકો ઈજાગ્રસ્તોના પરિવારજનો તથા અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા અને તેમના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ છ મૃતકોમાં ૩ અમીરગઢના બે પાલનપુરના તથા એક ડીસાનો હોવાનું જાણવા મળેલ છે. જેમાં ડીસાના પ્રકાશભાઈની તેમના પરિવારજનોએ ઓળખવિધિ કરી હતી. અને પરિવારજનોના કરૂણ આક્રંદે અનેકની આંખો ભીની કરી નાંખી હતી. આ ગોઝારા બનાવમાં પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી છે. બનાવ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.