પાલનપુર, તા.ર૧
પાલનપુર તાલુકાના દાનાપુરા ગામે કૌટુંબિક પૌત્રએ ટ્રેકટર રિવર્સ લેતી વખતે દાદીને કચડી નાખ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
પાલનપુર તાલુકાના દાનાપુરા ગામે બનેલી અકસ્માતની ઘટનાની વિગતો એવી છે કે, લક્ષ્મીબેન કરશનજી ઠાકોર (ઉ.વ.૬૦) તેમના ઘરના આંગણામાં વહેલી સવારે કચરો વાળી રહ્યા હતા. ત્યારે કૌટુંબિક પૌત્ર વિનોદજી લાખાજી ઠાકોરે પોતાનું ટ્રેકટર નંબર જી.જે.૦૮.બી.એચ. ૭૦૨૯ રિવર્સ વાળતી વખતે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરી લક્ષ્મીબેનને કચડી નાખ્યા હતા. જેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યાં પરિવારજનો દોડી આવ્યા હતા. અને તેણીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન લક્ષ્મીબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે હરીજી કરશનજી ઠાકોરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.