પાલનપુર, તા.ર૭
પાલનપુર તાલુકાના વાસણના પરા ગામના એક આધેડ તેમના ઊંટને ખેતરમાંથી લઇને ઘરે આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં એકાએક ઊંટે તેમના માથે બચકું ભર્યું હતું અને રોડ ઉપર પટકતાં માલિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
પાલનપુર પંથકમાં અરેરાટી પ્રસરાવનારી ઘટનાની વિગતો એવી છે કે, વાસણપરા ગામે રહેતો પટણી પરિવાર ઊંટલારી ચલાવી કુટુંબના સભ્યોનું ગુજરાન ચલાવે છે. જ્યાં પરિવારના જયંતીભાઇ બુધાભાઇ પટણી (ઉ.વ. ૪૫) શુક્રવારે બપોરના સુમારે ઊંટને ચરાવવા માટે ખેતરે ગયા હતા. ત્યાંથી પીંપળી જવાના માર્ગે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વીજકંપની આગળ એકાએક ઊંટે જયંતિભાઇના માથાને પોતાના મોઢામાં લઇ લીધુ હતું અને ઊંચા ઉછાળી રોડ ઉપર પટક્યા હતા. જેમાં જયંતિભાઇના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઊંટને દૂર લઈ જઈ દોરડી વડે બાંધી દેવામાં આવ્યું હતું.
પાલનપુરના વાસણપરા ગામે ઊંટે માથે બચકું ભરી પટકતાં માલિકનું મોત

Recent Comments