પાલનપુર, તા.૧પ
પાલનપુરના લક્ષ્મીપુરાના એક વેપારીને તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે જેમનો મૃતદેહ મંગળવારે મોડીસાંજે આકેસણ-વેડંચા ગામની સીમમાંથી મળી આવ્યો હતો, જેનું પીએમ કરી પોલીસે હત્યારાઓનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ દલપતભાઈ ઇશ્વરભાઈ પ્રજાપતિ (રહે. શેરી નં.૪ લક્ષ્મીપુરા, હાલ રહે.નવલપાર્ક સોસાયટી) પાલનપુર તાલુકા પંચાયત સામે કુદરત ગાર્મેન્ટની દુકાન ધરાવે છે જેઓ મંગળવારે સવારે એમનું બાઈક લઈને પાંથાવાડા ઉધરાણીએ જાઉં છું તેમ કહી નીકળ્યા હતા. જો કે, મોડા સુધી પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બની ગયા હતા. દરમિયાન ફોન ઉપર સતત સંપર્ક કરતાં અજાણી વ્યક્તિએ ફોન ઉપાડી દલપતભાઈનો મૃતદેહ આકેસણ-વેડંચા ગામની સીમમાં હોવાનું જણાવ્યું હતું આથી પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. જ્યાં આ વેપારીનો મૃતદેહ એક ઝાડ સાથે તારથી બાંધેલો અને સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર સંદિલકુમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે