(સંવાદદાતા દ્વારા) પાલનપુર,તા.ર૧
બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, દુબઇથી આવેલ એક વ્યક્તિ શંકાસ્પદ હોઇ પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિને પાલનપુર સિવિલના આઇસોલેશન વોર્ડમાં બનાસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના ર્ડાકટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.
કલેકટરે જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી એડવાઇઝરી પ્રમાણે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું છે. તેમણે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી.
કલેકટરની મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, સિવિલ સર્જન, નોડલ ઓફિસર ર્ડા. એન.કે. ગર્ગ, ર્ડા.પાનસુરીયા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.