પાલનપુર,તા.૧પ
પાલનપુરમાં શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્યાં આબુ હાઇવે નજીક આવેલી ભીમરાવનગર સોસાયટીમાં રહેતા મુળ પાલનપુર તાલુકાના કુંભાસણના મનોજકુમાર અંબાલાલ ગેલોતર તેમના પરિવાર સાથે તેમની સાસરી અમીરગઢ તાલુકાના જેથી ગામે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં પડેલી તિજોરીનું લોક તોડી અંદરથી રૂપિયા ૪૦,૦૦૦ની સોનાની જુમર, રૂપિયા ૨૨,૦૦૦ની વિંટી, રૂપિયા ૧૮,૦૦૦ની બે વિંટી, રૂપિયા ૩૫,૦૦૦નું કડું, રૂપિયા ૭,૦૦૦ની ચાંદીની તોડીઓ, રૂપિયા ૧૫,૦૦૦ના ચાંદીના છડા, રૂપિયા ૧૦,૦૦૦ની ઘડીયાળ અને રોકડ રૂપિયા ૩૨,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૭૯,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત સોસાયટીમાં રહેતા વરૂણકુમાર રમેશચંદ્ર પરમાર, શિલ્પેશકુમાર નટવરલાલ સુતરીયા, કિંજલબેન જયંતિભાઇ સુતરીયાના મકાનોના તાળા પણ તોડ્યા હતા. આ અંગે મનોજભાઇએ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી તેમનું પગેરૂ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.