પાલનપુર, તા.૧૭
પાલનપુર હોમગાર્ડ યુનિટમાં કોરોના બંદોબસ્તમાં ફરજ બજાવતા બે હોમગાર્ડનું આકસ્મિક મોત થતાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા યથા શક્તિ ફાળો એકત્ર કરી મૃતકના પરિવારને આપવામાં આવ્યો હતો.
કોરોના વાયરસના કહેરના પગલે પોલીસ સાથે ખભે-ખભો મીલાવી હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે, જેના પગલે પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા શૈલેષભાઇ શ્રીમાળી સીમલા ગેટ વિસ્તારમાં ફરજ બજાવતા હતા, તે સમયે હૃદય રોગના હુમલાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ પાલનપુર પારપડા રોડ ઉપરથી ફરજ પૂરી કરી પોતાના ઘરે જઇ રહેલ હોમગાર્ડ જવાન અબ્દુલ સત્તાર ઉસમાન બહેલીમને અકસ્માત નડતા મહેસાણા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી કોરોના વાયરસના કહેર સમયે લોકડાઉન છે. ધંધા-રોજગાર બંધ છે તેવા સમયમાં આ પ્રકારની ઘટના બનતા બંને હોમગાર્ડ જવાનોના પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.કે.સોલંકી દ્વારા મૃતક હોમગાર્ડના જવાનોને સ્વૈચ્છાએ સહાય રૂપ બનવા માટે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને યથા શક્તિ મદદરૂપ બનવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે તમામ સ્ટાફ પાસેથી ફાળો એકત્ર કરી પશ્ચિમ પોલીસ મથકના જોરાવરસિંહ, મનિષભાઇ, ઓફિસર કમાન્ડર પ્રશાંત ગૌસ્વામી, હોમગાર્ડના પ્લાટુન કમાન્ડર મુસ્તાકભાઇ ચૌહાણ મૃતક હોમગાર્ડ જવાનના ઘરે જઇ સહાયની રકમ સુપ્રત કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.