પાલનપુર, તા.૧૯

પાલનપુરમાં સત્યમ સિટીમાં રહેતા એક સ્વામીએ બે સંતાનોની માતાને મોહજાળમાં ફસાવી ઘરમાં ગોંધી રાખી પોતાની વાસનાનો ભોગ બનાવી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે બળાત્કાર અને સુષ્ટી વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલી મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લંપટ સ્વામીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર ખાતે ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુર ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન ધાનેરા ખાતે થયા હતા. જેને લગ્નજીવન દરમિયાન બે સંતાનો થયા છે. દરમિયાન વર્ષ ૨૦૧૭માં તેણી ડીસા કોર્ટમાં ગઈ હતી. ત્યારે પાલનપુર સત્યમ સોસાયટી ખાતે રહેતા સ્વામી રામરતનપુરી ગુરૂવિરમપુરી સાથે ભેટારો થયો હતો અને વકીલ રોકી મદદ કરવાના બહાને મોબાઈલ ફોન નંબર લીધો હતો. તે વખતે આ મહિલા ડીસા ખાતે ભાડાના મકાનમાં રહેતી હોઇ અને પાણી નાંખવા બાબતે પાડોશીઓથી ઝઘડો થયો હોઈ સ્વામીએ ડીસા સ્થિત પોતાનું મકાન તેણીને રહેવા માટે આપ્યું હતું. જ્યાં આ મહિલા પોતાના પરિવાર સાથે દોઢ વર્ષ સુધી રહી હતી. જે બાદ બેસતા વર્ષના દિવસે સ્વામીએ તેણીને પરિવાર સાથે પાલનપુર સત્યમ સીટી સોસાયટીમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં તેણે મહિલા સાથે પ્રેમ હોવાનો એકરાર કરી પોતાની મોહપાસમાં ફસાવી હતી. અને ૧૪/૬/૨૦૧૮ના દિવસે પરિણીતાને એકલી પાલનપુર બોલાવી મકાન તેણીના નામે કરી દેવા સહિતની લાલચ આપી તેણી સાથે બળાત્કાર કર્યો હતો. અને ધમકી આપી સાત દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી હતી. જ્યાં તેણીની મરજી વિરૂદ્ધ સુષ્ટી વિરૂદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ અંગેની જાણ મહિલાના પતિને થતાં તે પાલનપુર લેવા માટે આવ્યો હતો. ત્યારે સ્વામીએ તેને પણ માર માર્યો હતો. અને જો તું અહીંયા નહીં આવે તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં તેમજ મકાન ખાલી કરાવી સામાન નહીં આપવાનું કહેતો હોઈ તેણી તે બાદ પણ છ માસ સુધી સ્વામીના ઘરે જતી હતી. જ્યાં તે બળાત્કાર ગુજારતો હતો. જો કે, તેના પતિને આ વાતની જાણ થતાં ડીસાનું તેનું મકાન ખાલી કરી બધા પાલનપુર ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. છતાં સ્વામી ધમકીઓ આપતો હોઈ પરણિતાએ પોતાના પતિને છૂટા છેડા આપી દીધા હતા. જે બાદ તારીખ ૪/૭/૨૦૨૦ના રોજ તેણી તેના દીકરાને ટિફિન આપવા જતી હતી. ત્યારે સ્વામી તેને મારવા આવ્યો હતો અને બંને દીકરાઓને કેસ કરી લઈ લઈશ અને ચેલા બનાવવાની ધમકી આપી હતી. આમ સ્વામીએ બે સંતાનોની માતાને પોતાની વાસનાનો ભોગ બનાવી રસ્તે રઝળતી કરી દેતા આખરે પરણિતાએ આ અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લંપટ સ્વામી સામે ગૂનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.