જો કે નવેમ્બરથી ટેન્ડરિંગ કાર્યવાહી થશે તો ૧૦ મહિના કામ લંબાઈ જશે

પાલનપુર, તા.૬

પાલનપુરમાં રેલવે અંડરપાસને લઈ મામલો અધ્ધરતાલ છે. પશ્ચિમ જેવોજ અંડરપાસ પૂર્વમાં રામલીલા મેદાન તરફ સરકાર બનાવશે કે ડીએફસીસી બનાવશે તે હજુ નક્કી થયું નથી. હાલમાં સમગ્ર મામલાને પાર પાડવા જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે જેમાં પાલનપુર પ્રાંત અધિકારીને નોડલ અધિકારી બનાવી સમગ્ર મામલાનો સુખદ ઉકેલ લાવવાની જવાબદારી સોંપાઈ છે.
પાલનપુર શહેરીજનો માટે રેલવે ઓવરબ્રિજને ઊંચો લેવાની કામગીરી હાલમાં શિરદર્દ સમાન સાબિત થઈ રહી છે તેવામાં વધુ ચોંકાવનારા સમાચાર એ છે કે અંડરપાસને લઈ હજુ સુધી ડીએફસીસી કે સ્ટેટ હાઇવે દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. ઉપરાંત અંડરપાસની ડિઝાઇનના પણ ઠેકાણા નથી ડીએફસીસી દ્વારા ઉતાવળે કામ પૂર્ણ કરવાના ચક્કરમાં સમગ્ર મુદ્દો અઘ્ધરતાલ ન બનાવી દે તેને લઈ શહેરીજનો ચિંતા સેવી રહ્યા છે. જોકે હજુ જિલ્લાની શીર્ષથ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરી નથી. એરોમા સર્કલ અને રેલવે ઓવરબ્રિજ મામલે જિલ્લા કલેકટર આનંદ પટેલએ રેલવે વિભાગ સાથે તાકીદની બેઠક બોલાવી સંબંધિત અધિકારીઓ પાસેથી સમગ્ર કામગીરી અંગેનો અહેવાલ જાણ્યો હતો. બેઠકમાં ડીએફસીસીના અધિકારીએ અંડરપાસની જગ્યા રેલવેમાં ન આવતી હોવાનું કહી હાથ ખંખેર્યા હતા. તેવામાં જો હવે નવેસરથી ટેન્ડરિંગ કાર્યવાહી થશે તો હાલના હયાત કામના ૯ મહિના ઉપરાંત વધુ ૧૦ મહિના કામ માટે લંબાઈ જશે તેવી સ્થિતિ સર્જાઈ છે.