પાલનપુર, તા.૨
પાલનપુરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા બંધ સ્ટાફ ક્વાટ્‌ર્સમાં કોઈ અજાણ્યા શખ્સે એક ૪ વર્ષની બાળકી ઉપર સોમવારે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો જ્યાંથી બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. જેને રેલવે પોલીસે પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ અંગેની જાણ થતાં જ લોકોમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. દરમિયાન પોલીસે અજાણ્યા બળાત્કારીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વચ્ચે રેલવેના કન્ડમ થયેલા સ્ટાફ ક્વાટ્‌ર્સ આવેલા છે. આ બંધ મકાનમાં કોઈ અજાણ્યો નરાધમ એક ૪ વર્ષની બાળકીને લઈ આવ્યો હતો અને તેના ઉપર બર્બરતા પૂર્વક પાશવી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ રેલવે પોલીસ સહિત લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જ્યાંથી બાળકીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જો કે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.
બાળકી ઝાડ નીચે બેહોશ પડી હતી
બાળકીને સૌ પ્રથમ જોનાર રેલવે સ્ટેશન નજીક નાસ્તાની સ્ટોલ ધરાવનાર મદનસિંહે જણાવ્યું હતું કે, બળાત્કારનો ભોગ બનેલી બાળકી લોહી નીતરતી અને બેભાન હાલતમાં અવાવરૂ મકાન નજીક આવેલા પીપળાના ઝાડ નીચે પડેલી હતી. હું લાઈટનું કનેકશન લેવા માટે ગયો હતો. ત્યારે બાળકીને જોઈ હતી અને આજુબાજુના વેપારીઓને જાણ કરી હતી. રેલવે પોલીસ મથકે જાણ કરી હતી.
માતા કામ કરવા ગઈ અને બાળકીને ઉઠાવવામાં આવી
આ અંગે સિવિલ હોસ્પિટલમાં દોડી આવેલા બાળકીના સગાઓએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, બાળકીની માતા રેલવે સ્ટેશન નજીક જ નાસ્તાના સ્ટોલ ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જે કામ કરવા ગઈ ત્યારે નરાધમ બાળકીને ઉઠાવી લાવી બળાત્કાર ગુજાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નરાધમને ત્વરિત ઝડપી ફાંસી આપવા માંગ
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. તેમણે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, નિર્ભયાના ચાર બળાત્કારીઓને ફાંસી આપવાની છે. ત્યારે પાલનપુરની બાળકીના બળાત્કારીને પણ ત્વરિત ઝડપી લઈ અદાલતમાં ખાસ કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ છે.
રેલવે પોલીસની તાકીદની બેઠક
પાલનપુરમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી લેવા માટે મહેસાણા રેલવે પીઆઇ અને ઇન્ચાર્જ સીપીઆઈ એસ.વી. વસાવા, રેલવે પીએસઆઇ પી.એફ. પઠાણ, આરપીએફ પીઆઇ નીતિન ગુર્જર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.
સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે : પી.એફ. પઠાણ (પીએસઆઈ રેલવે, પાલનપુર)
પાલનપુર સિવિલ હોસ્પિટલના તબીબના અભિપ્રાય મુજબ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોઈ અજાણ્યા શખ્સ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.