પાલનપુર, તા.ર
પાલનપુર સાંઈબાબાના મંદિર નજીક ગતરાત્રે ડિવાઈડર કૂદી કાળ બનેલી કારે હાઈવેની સામેની બાજુએ કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ યુવકોને ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર- આબુ હાઈવે ઉપર ગતરાત્રે આબુ રોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કારના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદી કાળ બની હાઈવેની સામેની બાજુ આવી રહેલ એક કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ યુવકોનાં મોત નિપજ્યા હતા. તેમજ કાર સવાર ત્રણ યુવકોને ઈજાઓ થવા પામી હતી. જેમને પાલનપુર ૧૦૮ના પાયલટ સાદિકભાઈ શેખ અને ઈએમટી ધવલભાઈ જેતપુરાએ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

મૃતકોના નામ
૧. સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ (ઉ.વ.૨૧)
૨. વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૨)
૩. હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૧, ત્રણેય રહે. કરજા રામપુરા)
પાલનપુરની જુદી-જુદી ગેરજ સહિતની જગ્યા ઉપર કામ કરતા યુવકો કામ કરી પોતાના ઘરે જતાં હતા, તે સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટા કરજાના ત્રણ યુવકોનાં મોત અને ત્રણ યુવકો ઘાયલ થયા હતા.