પાલનપુર, તા.૨૨
ગુજરાતમાં રાણી પદ્માવત ફિલ્મ રિલીઝ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો મહાકાલ અને કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં રાજ્યભરમાં ઠેર-ઠેર હાઇવે ઉપર ચક્કાજામ કરી પથ્થમારો તેમજ એસટી બસોને આગ લગાડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડેપોમાંથી સો બસોના રૂટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મહાકાલ સેના અને કરણી સેના દ્વારા શનિવારે કાંકરેજના થરા, ડીસાના રસાણા, ડીસા-પાલનપુર હાઇવે, પાલનપુર-અંબાજી હાઇવે ધાનેરામાં ઠેર-ઠેર ચક્કાજામ કરી ટાયરો સળગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ એસટી બસોને આગ ચાંપી દેવાના બનાવો પણ બનવા પામ્યા છે. આ ઘટનાઓ બાદ હજુ પણ આંદોલન ઉગ્ર બનવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડેપો દ્વારા એસટી બસના ૧૦૦ રૂટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે બસ સ્ટેન્ડમાં મુસાફરો અટવાઇ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ ન પગલે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા અમદાવાદ તરફ જતી બસોના રૂટ કેન્સલ કરાયા હતા ત્યારે કેન્સલ કરાયેલા રૂટના કારણે મુસાફરો સહિત વિદ્યાર્થીઓ પણ હાલાકીનો ભોગ બન્યા હતા ત્યારે આ બાબતે બસ સ્ટેન્ડ અધિકારીએ જણાવ્યું હતું કે, આંદોલનને લઇ બસોને ઘણીવાર ટાર્ગેટ બનાવવામાં આવે છે તે જોતાં કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે રૂટ બંધ કરવામાં આવ્યા છે.