પાલનપુર, તા.રર
પાલનપુર-આબુ હાઇવે ઉપર ચિત્રાસણી વહેલી સવારે સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, રાજસ્થાનના જોધપુર ગામના ૫ વ્યક્તિ સવારે કાર નંબર એમ.એચ.૪૬.એ. ૧૧૭૨માં મુંબઇ ખાતે ધંધાર્થે નીકળ્યા હતા. તેઓ પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના ૧૧ કલાકના સુમારે ચાલકે એકાએક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર હાઈવેની ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ભુક્કા બોલી ગયા હતા. અને હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી, પાલનપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યાં ક્રેનની મદદથી કારના ભાગ જુદા કરી અંદર ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ૩ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે જણાને ગંભીર ઇજા થતાં પાલનપુર ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનાં મોત નિપજ્યાં હતા. ગોઝારા અકસ્માતમાં એક સાથે ૫ માનવ જિંદગી હોમાઈ જતાં સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દરમિયાન મૃતદેહોનું પીએમ કરી વાલીવારસોને સોંપવામાં આવ્યા હતા. જેમના હૈયાફાટ રૂદનથી શોકની કલીમા પ્રસરી ગઈ હતી.