સેજલપુર ગામે બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકોને ઈજા : શ્રમિકોમાં શોકનો માહોલ

(સંવાદદાતા દ્વારા)
પાલનપુર,તા.૭
પાલનપુરના સેજલપુર ગામે બાંધકામ સાઈટ ઉપર કામ કરી રહેલા મજુરોને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે કાળ તેમની રાહ જોઈને બેઠો છે. બાંધકામની કામગીરી ચાલી રહી હતી. ત્યારે જર્જરિત દીવાલ પડતા ૧૧ મજુરો દટાઈ ગયા હતા. જેમાં બે બાળકો અને મહિલા મળીને કુલ ત્રણ મોત નીપજયા હતા. જયારે આઠ લોકોને ઈજાઓ થઈ હતી. જેને પગલે તાત્કાલિક દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. બાંધકામ સાઈટ પર ઘટેલી આ દુર્ઘટનાથી મજુરોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વિગતવાર વાત કરીએ તો પાલનપુર તાલુકાના સેજલપુર ગામે સોમવારે રોડની બાજુમાં બાંધકામ માટે શ્રમિકો પાયો ખોદવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન બાજુના મકાનની જર્જરિત દીવાલ શ્રમિક પરિવાર ઉપર ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. જેના નીચે લોકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ સહિત ગ્રામજનો અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જયાં જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન બે બાળકો અને એક મહિલા ઈંટો અને રોડાના કાટમાળ નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જયારે આઠ વ્યકિતઓને ઈજાગ્રસ્ત હાલતમાં પાલનપુર, છાપી અને વડગામની ૧૦૮ દ્વારા ત્વરીત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અંગે ગામના સરપંચ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં ખાનગી કોન્ટ્રાકટર લાવી મજુરો પાસે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.