(સંવાદદાતા દ્વારા) પાલનપુર,તા.ર૭
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને તત્કાલિન ચીફ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટો ઉપરથી કચરો-ગંદકી નિકાલ કરવાની કામગીરીમાં રૂપિયા ૨,૪૦,૦૦,૦૦૦નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. આ અંગે નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય દ્વારા મ્યુનિસિપાલિટી કમિશનરને લેખિત રજૂઆત કરી કૌભાંડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાણાંની વસુલાત કરવાની માંગણી કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાલનપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય અમૃત ચુનીલાલ જોષીએ ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશનરને કરેલી રજૂઆતમાં આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોક ઠાકોર અને તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટે તારીખ ૦૧-૦૧-૨૦૧૯થી ૦૧-૦૧-૨૦૨૦ દરમિયાન દરબાર વેસ્ટ કોર્પોરેશનને ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટો ઉપરથી કચરો-ગંદકી નિકાલ કરવાની કામગીરી આપવામાં આવી હતી. જોકે, આ કામગીરી આજ કોન્ટ્રાકટરને મળે તે માટે ટેન્ડરમાં નોટિસમાં ખોટી અને જરૂરીયાત ન હોય તેવી ૬૫ શરતો રાખી તે શરતોનો ભંગ કરી રૂપિયા ૨,૪૦,૦૦,૦૦૦નું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
કઇ રીતે કૌભાંડ આચરાયું ?
ભાવ પત્રક ભરનાર એજન્સી પાસે પોતાના ૨૦૧૬ કે પછીના ૧૫ ટેમ્પા, ૧૫ ટ્રેકટર ફરજીયાત હોવા જરૂરી છે. ટેન્ડરમાં તેવી શરત રખાઇ હતી. જેને કારણે અન્ય કોઇ કોન્ટ્રાકટર ટેન્ડર ભરી ન શકે તેમજ કોઇ ભાડાના વાહનો પણ ન રાખી શકાય તેવી પણ શરત રખાઇ હતી. જોકે, કોન્ટ્રાકટર દ્વારા ૧૦ સાધનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ફકત એક સાધન તેમની માલિકીનું છે. બાકીના નવ સાધન ભાડેથી રાખવામાં આવ્યા છે. તેમજ નગરપાલિકાની માલિકીના ૧૨ સાધનો વાપરવામાં આવી રહ્યા છે. આ કોન્ટ્રાકટ અપાયેલો હોવા છતાં નગરપાલિકા વધારાના પોતાના ૧૧ વાહનો દ્વારા કચરો ઉપાડવાની કામગીરી અલગથી કરી તેનો ડિઝલ ખર્ચ, ડ્રાઇવર પગાર ખર્ચ, રીપેરીંગ ખર્ચ નગરપાલિકામાં પાડી કૌભાંડ આચરવામાં આવ્યું છે.
અમને હજુ રજૂઆત મળી નથી : સતિશ એન. પટેલ (ચીફ ઓફિસર, નગરપાલિકા, પાલનપુર)
પાલનપુર નગરપાલિકા પ્રમુખ અને તત્કાલિન ચીફ ઓફિસર સામે થયેલા કૌભાંડના આક્ષેપો અંગેની કોઇ રજૂઆત હજુ સુધી અમને મળી નથી. જેથી આ બાબતે કંઇ કહેવું અયોગ્ય ગણાશે.