છાપી, તા.૧૩
પાલનપુર-મહેસાણા રેલવે લાઈન ઉપર આવેલ છાપી પાસેના ધારેવાડા રેલવે સ્ટેશનના સો મીટરના અંતરે રેલવેના પાટાના જોઈન ઉપર લોખંડનો હૂક લગાવી ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર સોમવારની મોડી રાત્રે મહેસાણા રેલવે લાઈન ઉપર આવેલા ધારેવાડાની દક્ષિણ દિશાએ સો મીટરના અંતરે ૧૩ નંબરના સેજ પાસેના જોઈન્ટમાં લોખંડનો હુક લગાવી કથિત અજાણ્યા ઈસમોએ ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ રાત્રી પેટ્રોલિંગ કરતા રેલવેના કર્મચારીને થતાં તાત્કાલિક રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જેથી ઘટનાને લઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. રેલવેના જોઈન્ટ ઉપર લોખંડનો હૂક લગાવ્યા બાદ પાટા ઉપરથી ટ્રેનો પસાર થવા છતાં કોઈ નુકસાન થયું નહતું અને લોખંડનો હૂક તોડીને બહાર ફેંકાઈ ગયો હોવાનું જાણવા મળે છે. આ બાબતે એફએસએલની ટીમ ઘટનાસ્થળ ઉપર આવી તપાસ હાથ ધરી હતી. જો કે, આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક ઉપર કથિત ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ અને ભાંગફોડની ઘટનાને લઈ રેલવે તંત્ર સહિત પંથકમાં ખળભળાટ સાથે ભયનું વાતાવરણ સર્જાયું છે. આ સમગ્ર ઘટનાને લઈ રેલવે પોલીસે તપાસ હાથધરી કાવતરાખોરોની તપાસ હાથ ધરી છે. આ અંગે રેલવે પોલીસ અધિકારી પી.એફ.પઠાણે જણાવ્યું હતું કે, ટ્રેનોની ગતિના કારણે હૂક ઉછળીને પાટા ઉપર પડ્યો હોવાની શક્યતા હોઈ શકે. એફએસએલના રિપોર્ટ બાદ સાચી જાણકારી મળી શકે હાલ પૂરતું કોઈ ભાંગફોડની શક્યતા જણાતી નથી. રેલવે પાટાના જોઈન્ટની સામે ૫૦થી ૬૦ ફૂટના અંતરે ઈંગ્લિશ દારૂની બોટલ, પાણીના પાઉચ અને સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. જેથી આ કાવતરૂ ઘડવામાં ચારથી પાંચ શખ્સો હોઈ શકે છે. પોલીસે આ દિશામાં પણ તપાસ ધરી હોવાનું જાણવા મળે છે.