(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૬
પ્રાંતિજ નગરનો ઘન કચરો ડમ્પીગ સાઈટ ઉપર નાખવાને બદલે ભાખરિયા તળાવમાં કચરાની ગાડીઓ ઠાલવવામાં આવતાં આ તળાવના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયો છે. પ્રાંતિજ નગરપાલિકાના ચીફઓફિસર તથા શાસકોની આ નીતિ સામે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે. સત્વરે આ કામગીરી બંધ થાય તે જરૂરી છે.
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરમાંથી ઉઘરાવવામાં આવતો ઘનકચરો નગર વચ્ચેના ભાખરિયા તળાવમાં ઠાલવવામાં આવતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય મહિનાથી રોજના સાત થી પણ વધારે છોટાહાથી તથા બે જેટલા ટ્રેકટરો ભરીને ઘનકચરો ભાખરિયા તળાવમાં ઠાલવવા પાછળનું પ્રયોજન શું ? આજ રીતે કચરો ઠાલવવામાં આવશે, તો ભાખરીયા તળાવ પાણીને બદલે કચરાનું તળાવ બની જાય તો નવાઇ નહીં ! ઘન કચરાની સાથે-સાથે નગરમાં મૃત્યુ પામેલા જાનવરો પણ અહીં નાખવામાં આવે છે. જેથી આજુબાજુ ભયંકર ગંધ પ્રસરે છે. ત્યારે તળાવના બ્યુટીફિકેશનની વાતો તો હવામાં ઓગળી ગયાનું જ મનાય ને ! સરકાર જળસંચય માટે તલાવડીઓ બનાવે છે. ત્યારે હાલ તો આ તળાવને નાબૂદ કરવાની પેરવી છે ?
ભાખરિયા તળાવની બાજુમાં જ ગામ નજીક અને આજુબાજુમાં સોસાયટીઓ આવેલ હોવાથી ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળે તો નવાઇ નહીં. ત્યારે ચીફઓફિસર આકાશ પટેલ નગરના રાજાશાહીકાળના જળાશયને ડમ્પીંગ સાઈટ બનતું સત્વરે અટકાવશે કે પછી હોતી હૈ ચલતી હૈ જ ચાલશે ? જાગૃત નગરજનો ભાખરિયા તળાવને કાયમ રાખવા આગળ આવશે ?