(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૬
અમરેલીમાં આજે નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ભરવા આવતાં વાહનોમાં ચાર મહિલાઓએ આવી કહ્યું કે, તું સંદીપ ધાનાણીને પૈસા કેમ આપતો નથી અને ચારેય મહિલાઓએ સુપરવાઈઝરને મારમારતા સિટી પોલીસમાં કોન્ટ્રક્ટ એજન્સીના સુપરવાઈઝર દ્વારા ફરિયાદ કરતા ખળભળાટ મચેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર આજે સવારે નગરપાલિકાના વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના સદસ્યે અને પાલિકાના વિરોધપક્ષના નેતા સંદીપ ધાનાણી દ્વારા નગરપાલિકાની સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરો ભરવાની કામગીરી થતી ના હોઈ તે બાબતે પોતે જ વોર્ડ નં.૧૦માં કચરો ભરવા નીકળી પડેલ અને ત્યારબાદ તે કચરો નગરપાલિકાની કચેરીએ લઇ ગયેલ અને ત્યાં શાસક પક્ષ સામે વિરોધ કરેલ હતો. બાદમાં ડોર ટુ ડોર કચરો ભરવા આવતા વાહનો બહુમાળી બિલ્ડિંગ પાછળ પડેલ હતા. ત્યારે ચાર મહિલાઓ જેમાં નીરૂબેન વાઘેલા, ઉમાબેન ચૌહાણ અને બે અજાણી મહિલા સહિત ચારેય મહિલાઓએ આવી કોન્ટ્રાક્ટ એજન્સીના સુપરવાઈઝર અનિલ જીવરાજભાઈ પરમાર (ઉ.વ.૨૨)ને કહેલ કે તમે સંદીપ ધાનાણીને પૈસા કેમ આપતા નથી અને મહિલાઓએ કચરો ઉપાડવાના વાહનોના કાચ તોડી તેમજ નુકસાન કરી સુપરવાઈઝર અનિલભાઈ પરમારને ધિક પાટુનો માર મારતા ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ઉપરોક્ત ચારેય મહિલા સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. આ બનાવને લઈ શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે.