ભાવનગર, તા.ર૭
ગઈ કાલે રવિવારે પ્રાદેશિક ન્યુઝ ચેનલ દ્વારા ભાવનગરના પત્રકાર અજીત ગઢવી ચૂંટણી કાર્યક્રમના શુટીંગ માટે પાલિતાણા ગયા હતા અને ચૂંટણીનો ચોરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ રાઠોડ, અપક્ષ ઉમેદવાર પ્રવિણ ગઢવી તથા સામાન્ય જનતાને વિવિધ સવાલો પૂછી આ બેઠક પરની સ્થિતિ પોતાના ટીવી માધ્યમથી સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેટલાક યુવાનોએ અજીત ગઢવીને ઘેરી લઈ, અમને સવાલ કેમ ન પૂછ્યા ? જેવા વાહિયાત સવાલ કરી કશું જ સાંભળવાને બદલે કેટલાક લોકોએ અજીત ગઢવીને ઢીંકા-પાટુનો માર માર્યો હતો. પ૦થી વધુ કાર્યકરોના ટોળાએ મચાવેલા આતંકની જાણ થતાં જ અન્ય આગેવાનો અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મીડિયા કર્મી અજીત ગઢવીને લોકોનાં ટોળામાંથી છોડાવી પાલિતાણાની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે અજીત ગઢવીને ભાવનગર લાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના પગલે મીડિયા જગતમાં રોષ ફેલાઈ ગયો હતો. આ હુમલાનો ભોગ બનનાર મીડિયા કર્મી અજીત ગઢવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આજે મોડી સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે. મીડિયા કર્મી અજીત ગઢવીને રૂબરૂ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હુમલો કરનારા તમામ ભાજપના કાર્યકરો હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાની હાજરીમાં તેની પર આ હુમલો થયો હોવાનું જણાવ્યું હતું.