(સંવાદદાતા દ્વારા) પાલિતાણા, તા.૩૧
પાલિતાણા મુસ્લિમ સમાજના ગરીબ કુરેશી પરિવારના બે બાળકોનાં મોત મામલાની તટસ્થ તપાસની માગણી સાથે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે મૌન રેલી કાઢી ડે. કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હયાતખાનભાઈ આઈ. બ્લોચ તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ કમિટીના પ્રમુખ હાજી અ.રજ્જાકભાઈ આઈ. સૈયદ સહિતના આગેવાનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાલિતાણા શહેર પરીમલ સોસાયટીમાં રહેતા મુસ્લિમ સમાજના ગરીબ પરિવારના બે માસૂમ બાળકો કુરેશી આફરીન સલીમભાઈ (ઉ.વ.૮) તથા જીયાન સલીમભાઈ કુરેશી (ઉ.વ.૬)ની ગુમ થયાની “ફરિયાદ” પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. આ બંને માસૂમ બાળકોની “લાશ” પરીમલ સોસાયટીમાં ભંગાર હાલતમાં પડેલ મોટરકારની ડીકીમાંથી તા.૯-૯-૧૭ના રોજ મળી હતી.
જેની જાણકારી પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશને કરતા પોલીસ સ્થળ પર આવેલ અને તપાસ કરતા બંને માસૂમ બાળકોની લાશોને પી.એમ. માટે પ્રથમ સરકારી દવાખાને લઈ ગયેલ ત્યારબાદ ભાવનગર સરકારી દવાખાને મોકલાયેલ હતાં. ત્યાં પેનલ પી.એમ.થી લઈ એફ.એસ.એલ. રિપોર્ટ કરાવાયા હતા. જો કે પરિવારજનોને દહેશત છે કે આ બંને માસૂમ બાળકોને મારી નાંખીને ભંગાર મોટરકારમાં નાંખી દીધેલ છે. જેથી આ ઉપરોકત હકીકત અંગે ન્યાયના હિતમાં ઉચ્ચ અધિકારી ગણ તપાસ કરી આ બનાવમાં જે કોઈ ઈસમો સંડોવાયેલ હોઈ તેની સામે કડક ધોરણસરની કાર્યવાહીઓ થવી જોઈએ જે થતી નથી અને વિલંબિત થાય છે.
આ અંગે આજ સુધીમાં પોલીસ તપાસ શરૂ છે. છતાં પોલીસ ઉપરોકત મૃત્યુના ગુનેગારોની અટકાયત પણ કરી શકેલ નથી. આ માસૂમ બાળકોનાં મોત બાબતે સાચુ કારણ પણ જાણી શકી નથી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના જુદા-જુદા સેલના અધિકારીઓએ પણ તપાસ કરેલ છતાં આ મૃત્યુના ગુનેગારોની અટકાયત થયેલ નથી જે શરમની વાત છે. તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક “શકમંદ” વ્યક્તિઓની ખાનગી પૂછપરછ કરવામાં આવેલ છતાં પોલીસ અધિકારીઓને સદંતર નિષ્ફળતાઓ મળેલ છે.
વધુમાં જણાવ્યું છે કે છેલ્લા સાત મહિનાથી આ ઉપરોકત બનાવની તપાસો શરૂ હોવા છતાં પણ કોઈ નક્કર પરિણામો મળેલ નથી અને પોલીસ તંત્ર ગુનેગારો સુધી પહોંચી શકેલ નથી. જો આવા ગુનેગારો પકડાશે નહીં તો આવનારા દિવસોમાં પવિત્ર નગરી પાલિતાણાને કલંક લાગે તેવા ગુનાઓનું અને ગુંડાગીરીનું પ્રમાણ વધશે, તેવું અમોને લાગે છે. જેથી તાત્કાલિક અસરથી ઉપરોકત ગુનામાં સંડોવાયેલા ગમે તે હોઈ તેઓની પ્રજાના હિતમાં અને ન્યાયના હિતમાં ધરપકડ થવી જોઈએ. તો જ પ્રજાને પોલીસ અધિકારીઓ પર ભરોસો રહેશે.
આ માસૂમ બાળકોના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે દ્વારા ખખડાવેલ છે. જે અનુસંધાને તા.૧૭-૩-૧૮ના રોજ માસૂમ બાળકોના હત્યારાઓની કોઈ કડી નહીં મળતા બંને માસૂમ બાળકોની જનેતા (માતા) રેશ્માબેન સલીમભાઈ કુરેશી (ઉ.વ.૩૦)એ અતિ આઘાતમાં જીવન ટૂંકાવી દીધેલ છે.
જેથી માસૂમ બાળકોની હત્યાના ગુનેગારોને પકડવાની માગણી સાથે પાલિતાણાના સમસ્ત મુસ્લિમ સમાજે એક અગત્યની મીટિંગ બોલાવી ન્યાયના હિતમાં આજે એક મૌન રેલી કાઢી ડે.કલેકટરને આવેદનપત્ર આપેલ છે.
પાલિતાણા મુસ્લિમ સમાજના બે માસૂમોના મોતની તટસ્થ તપાસની માંગ સાથે મૌનરેલી

Recent Comments