પાલીતાણા, તા.૩
પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની હત્યા નિપજાવી નાસી છૂટેલા વધુ ત્રણ શખ્સને પાલીતાણા ટાઉન પોલીસે ઝડપી લીધા છે પાલીતાણા શહેરના દાણાપીઠ વિસ્તારમાં રવિવારે મોડીરાત્રીના એકટીવા સ્કૂટર પર જઇ રહેલા ઐયુબભાઇ ઉસ્માનભાઇ સૈયદ (ઉ.વ.ર૭)ને આંતરી ધકકો મારી પછાડી દઇ ૪ શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી નાસી છુટયા હતા. જયારે લોહીયાળ ઇજાઓ સાથે ઐયુબભાઇનો પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ અને મૃતક ઐયુબભાઇના પિતા ઉસ્માનભાઇ સુવાલીભાઇ સૈયદે આમીન ઇબ્રાહીમ દલ સામે પોતાના પુત્ર ઐયુબે ઉધારીમાં મોબાઇલ આપવાની ના કહ્યાની દાઝ રાખી તેની હત્યા નિપજાવ્યાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમ્યાનમાં ભાવનગર આરઆરસેલ ટીમે ગઇકાલે અયુબભાઇની હત્યા નિપજાવી નાસી છુટનાર આમીન દલને ઝડપી લીધા બાદ આજે પાલીતાણા ટાઉન પોલીસના અધિકારી એન.એમ.ચૌધરી, ભરતભાઇ ચૌહાણ, જીગ્નેશ મારૂ, વિજયસિંહ ગોહિલ, હરેશ ઘાઘળ, ધનંજયસિંહ ગોહિલ, વલકુંભાઈ બરાળ અને ટીમે સમગ્ર ઘટનામાં વધુ સંડોવાયેલા સોહિલ ઉ.૨૦, આદિલ ઉ.૧૯, ફેઝલ ઉ.૧૯ તમામ રહે પાલીતાણાને ઝડપી લોકઅપ પાછળ ધકેલી દીધા છે ઉલ્લેખનીય છે કે મુખ્ય શખ્સ આમીનને કોર્ટેમાં રજૂ કરાતા ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.