(સંવાદદાતા દ્વારા) પાલેજ,તા.૧૦
પાલેજના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ૩થી ૪ જેટલી કંપનીઓ દ્વારા રાત્રીના સમયે હવામાં ભારે પ્રદુષણ છોડવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. હવામાં ઉડતી કાળી રજકણોને લઇ ગૃહિણીઓ તેમજ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજના ઇડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ૩થી ૪ કંપનીઓ દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસથી હવામાં ભારે પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે મકાનોના ધાબા કાળા થઈ જાવા પામ્યા છે. તેમજ ખેડૂતોના ઉભા પાક ઉપર કાળાશ છવાઈ જવા પામી છે. પ્રદુષણની ભારે માત્રાને લઈ બાળકોનું ઘર બહાર રમવું મુશકેલ બનવા પામ્યું છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવી કંપનીઓને સતત ૯૦ દિવસ સુધી ઈન્સ્પેકશનમાં રાખવા માગણી કરી છે.
સોશ્યિલ મીડિયામાં આવી કંપનીઓને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, મુબારક પટેલ નામના એક યુઝર દ્વારા આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે બાળકો વારંવાર બીમાર પડી રહ્યા છે તેમજ પ્રદુષણની અસહ્ય માત્રાને લઈ એટલી હદ સુધીની કાળાશ પ્રવર્તે છે કે ઘરમાં પણ ચપ્પલ પહેરવા પડે છે. ઉલ્લેખનીય છે કે પાલેજના ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કોઈ નવી વાત નથી દર વર્ષે પ્રદુષણનું ભૂત શિયાળાની ઋતુ પેહલા ધુણે છે પરંતુ પછી કેમ શાંત થઈ જાય છે ? એ કોઈ ને ખબર પડતી નથી.
ભૂતકાળમાં અનેક વખત આવી કંપનીઓ વિરૂદ્ધ આક્રોશ જોવા મળ્યો છે પરંતુ કંપનીઓને પણ આ આક્રોશ કઈ રીતે ઠંડો પાંડવો એ ખૂબ સારી રીતે આવડતું હોવાનું ચર્ચાય છે. અનેક લોકોએ આગેવાની લીધી પરંતુ આજ સુધી કોઈએ પણ કોર્ટનો રસ્તો પસંદ ન કરતા કંપનીઓના સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા છે. સોશ્યિલ મીડિયામાં આક્રોશ ઠાલવતા લોકો આવા પ્રદુષણને લઈ ખરેખર ગંભીર હોત તો આવી કંપનીઓ વિરૂદ્ધ પી.આઈ.એલ કેમ દાખલ થતી નથી ? એ પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.