(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર, તા.૧૪
પાવીજેતપુર તીનબત્તી ખાતે ધનતેરસની સંધ્યાએ ઘડિયાળના ટાવર સાથેનું સર્કલ તેમજ હાઇમાસ્ક લાઇટિંગ ટાવરનું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પાવીજેતપુરની કાયાપલટ કરવા હંમેશાં તત્પર રહેતા એવા યુવાન અને ઉત્સાહી સરપંચ મોન્ટુ શાહ દ્વારા માદરેવતન યોજના અંતર્ગત અમેરિકાના ફ્લોરિડામાં રહેતા એવા જેતપુર રત્ન અને દાનવીર સુનિલકુમાર નગીનલાલ શાહની લોકભાગીદારીથી પાવીજેતપુર ગામના હાર્દસમા વિસ્તાર તીનબત્તી ખાતે “સ્વ. નગીનલાલ પુંજાલાલ શાહ સર્કલ” અતિઆધુનિક ચારેબાજુથી ઘડિયાળ જોઈ શકાય તેવા ઊંચા ટાવર સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે. તેમજ ગ્રામ પંચાયત રેતી કંકણની ગ્રાન્ટમાંથી હાઈમાસ્ક લાઇટિંગ ટાવર બનાવવામાં આવ્યું છે જે રાત્રિના સમયે દિવસ જેવું અજવાળું કરી દે છે.
અતિઆધુનિક સર્કલ તેમજ હાઈમાસ્ક લાઇટિંગ ટાવરનું લોકર્પણ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવાએ પાવીજેતપુરના યુવા સરપંચ મોન્ટુ શાહના ભારોભાર વખાણ કરતા જણાવ્યું હતું કે પાવીજેતપુર નગરને સરપંચ તરીકે એક રત્ન મળ્યું છે.
પાવીજેતપુરના યુવાન સરપંચ મોન્ટુ શાહે પોતાના ૧૪ વર્ષના કાર્યકાળ દરમિયાન શું કામગીરી કરી છે ? તેની ઝાંખી કરાવી હતી ત્યારબાદ નગરમાં ૩૩ એકર જેવું તળાવ બાકી રહ્યું હોય તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે મદદરૂપ થવા સાંસદ ગીતાબેન રાઠવાને નગરના ૧૪ હજાર લોકો વતી અપીલ કરી હતી. જેને સ્વીકારી ગીતાબેન રાઠવા પ્રવાસન તળાવ માટે મદદરૂપ થવા માટેની ખાતરી આપી હતી.
(તસવીર : આશીફ ખત્રી, પાવીજેતપુર)