છોટાઉદેપુર, તા.ર૭
કવાંટ તાલુકાના રામી ડેમ બાદ હવે પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમમાં પાણીની સપાટી વધતા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવેલ છે.
પાવીજેતપુર નજીકમાં સુખીડેમમાં પંથકમાં સતત રાત દિવસ વરસતા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા ડેમના કિનારે આવેલ ગામોમાં પાણી ભરાઈ જતાં અગમચેતીના પગલારૂપે સુખી ડેમના છ દરવાજા પાણીના લેવલ મુજબ ત્રણ ફૂટ ખોલવામાં આવતા પંથકમાં પંદર વર્ષ બાદ સુખીડેમ પાણીથી છલોછલ થયા હતા. આજ ડેમના છ દરવાજા ખુલતા યુવાનો પાણી જોવાનો લહાવો મળી આવતાં તેઓ ડેમ તરફ ઉમટી પડ્યા હતા તેમજ આ વિસ્તારના ખેડૂતો અને પ્રજામાં પણ સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ હોય ખુશીની લાગણી પ્રસરી જવા પામેલ છે. જિલ્લામાં થઈ રહેલા વરસાદને સિનિયર સિટીઝન્સ ઘણા સમય બાદ આવો વરસાદ પડ્યો હોવાનું જણાવી રહ્યા છે.