૧૪ હજારની વસ્તીને પૂરતા પ્રેસરથી પાણી મળશે

પાવીજેતપુર, તા.૭
પાવીજેતપુરમાં બાલમંદીરના ચોગાનમાં રૂા. ૧.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકી અને સંપને કાર્યરત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે અને ટૂક સમયમાં જ આ સંપ અને પાણીની ટાંકીમાંથી ગ્રામજનોને પૂરતું અને પ્રેસરથી પાણી મળે તે માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર નગરમાં પાણીની વ્યવસ્થા વર્ષોથી ઓરસંગ નદીએથી કરવામાં આવી હતી. નદી કિનારે કૂવો અને બોરની વ્યવસ્થા ઊભી કરીને ત્યાં જ ૩.૨૫ લાખ લીટરની પાણીની ટાંકી બનાવીને ગામમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ સમય જતાં ગામની વસ્તીમાં વધારો થતાં પાણીની મુશ્કેલી પડી રહી હતી જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પ્રેસરથી પાણી મળી રહે તે માટે ગામની વચ્ચે બાળ મંદીરના ચોગાનમાં જ ૨ લાખ લીટરની પાણીની ટાંકી અને ૪ લાખ લીટરનો સંપ બનાવવામાં આવ્યો હતો પરંતુ ઓરસંગ નદીથી પાણી સંપ સુધી લાવવાની લાઇનમાં સમસ્યા સર્જાતા કામ ખોરંભે પડ્યું હતું. પરંતુ ગામના સરપંચ અંકીત(મોન્ટુ) શાહ દ્વારા પ્રયત્નો હાથ ધરીને સંપમાં અને પાણીની ટાંકીમાં પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી હતી અને તેનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ સફળતા પૂર્વક સંપ અને ટાંકી ભરી શકાઈ હતી. હજુ પણ ઓરસંગ નદીથી સંપ સુધીમાં ૩ જગ્યાએ માઇનોર લીકેજ જોવા મળ્યા છે તેને તાત્કાલીક લીકેજ બંધ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પાવીજેતપુર નગરમાં પાણીની ટાંકી કાર્યરત થતાં જ ગામના ૧૪ હજાર લોકોને સમયસર પૂરતા પ્રેસરથી પાણી મળી રહેશે તેવું ગામના સરપંચ અંકીત (મોન્ટુ) શાહે જણાવ્યુ હતું.