પાવીજેતપુર, તા.ર૦
પાવીજેતપુરથી ૧૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ ખોસ ગામે જંગલ વિસ્તારમાં ગોવાળીયો ઢોર ચરાવવા ગયો હોય ત્યારે મહુડાના વૃક્ષ નીચે એક દીપડાને મૃત હાલતમાં જોતા ગભરાઈ ગયો હતો. જંગલ વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવી તપાસ કરતા દીપડાની બોડી ઉપર ગળા પર તેમજ પેટના ભાગે અન્ય દીપડાના નખના ગંભીર ઘા દેખાતા હતા તેમજ જે વૃક્ષ નીચેથી દિપડાનો મૃતદેહ મળ્યો હોય તે મહુડાના વૃક્ષના છોતરા નીકળી ગયા હતા જે જોતા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બે દીપડા વૃક્ષ ઉપર અંદરો અંદર લડી રહ્યા હશે તે દરમિયાન એક દીપડાને વધુ વાગતા ગંભીર ઇજાઓ થતાં વૃક્ષ પરથી નીચે પટકાયો હશે અને મોત થયું હશે. તાત્કાલિક જંગલ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી જઇ આ દીપડાને છોટાઉદેપુર ખાતે લઇ જઇ પશુ ચિકિત્સક દ્વારા પીએમ કરવામાં આવી રહ્યું છે. પીએમ પછી ચોક્કસ વિગતો ખબર પડે તેમ જિલ્લાના ફોરેસ્ટ અધિકારી નિલેશ પંડયાએ જણાવ્યું હતું.
પાવીજેતપુર નજીક ખોસ ગામે બે દીપડા વચ્ચે ઈનફાઈટ થતા એકનું મોત

Recent Comments