(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
શહેરના વટવા વિસ્તારમાં પાસા કરાવી હોવાની અદાવતમાં માથાભારે શખ્સોએ એક યુવકને તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર મામલે વટવા પોલીસે ગુનો નોંધી ચાર આરોપીની અટકાયત કરી ફરાર એક આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ શહેરના વટવાના સૈયદવાડીના હુસેનાબાદ વિસ્તારમાં મંગળવારે રાત્રે ફુરકાન, સોહિલખાન, તબરેઝખાન, મકબુલ અને અસલમ ઉર્ફે મામા કાર લઈને ઊભા હતા. ત્યારે મોહસીન મેમણ એક્ટિવા લઈને આવતા તેને રોકીને તબરેઝખાન અને ફુરકાન કહેવા લાગ્યા હતા કે મારા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ કરી છે જ્યારે તબરેઝે કહ્યું હતું કે, મારી પાસા કરાવી છે આજે તો તારું કામ પૂરું જ કરી દેવાનું છે. કહીને ઝઘડો કરીને પાંચેય આરોપીએ મોહસીન મેમણને તલવાર અને છરીના ઘા મારતા તેને ગંભીર ઈજા થઈ હતી ત્યારે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોહસીનને સારવાર અર્થે લઈ જતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે મોહસીનના પિતા હનીફ મેમણે વટવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, અગાઉ માર્ચ મહિનામાં તબરેઝખાન, મોહમ્મદ હુસૈન ઉર્ફે જીણિયો યાસીનભાઈ અને અસલમ ઉર્ફે મામા સાથે ઝઘડો થતાં તેમના દિકરાએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વટવા પોલીસે તબરેઝખાન નાસીરખાન પઠાણ, ફુરકાન નાસીરખાન પઠાણ, સોહિલખાન નાસીરખાન પઠાણ, મકબુલ નાસીરખાન પઠાણ, અસલમ ઉર્ફે મામા (તમામ રહે.હુસૈનાબાદ તસ્લીમ સોસાયટી સામે વટવા) સામે હત્યા સહિતનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે હાલ ચાર આરોપીની અટકાયત કરી તેમને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે જ્યારે ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હોવાનું વટવાના પીઆઈ એચ.વી.સીસારાએ જણાવ્યું છે.
એલિસબ્રિજમાં ડૉક્ટરના અપહરણ સહિતના ગુના કરનારા આરોપી માથાભારે
હત્યામાં સંડોવાયેલા આરોપી અગાઉ એલિસબ્રિજમાં ડૉક્ટરના અપહરણ કેસમાં સંડોવાયેલો છે. જ્યારે આરોપી તબરેજને તો થોડા સમય પહેલાં વટવા પોલીસે પાસા હેઠળ જેલમાં ધકેલ્યો હતો. ઉપરાંત આરોપી તબરેજના પિતા નાસીરખાનનું પણ અગાઉ સરખેજ વિસ્તારમાં મર્ડર થયું હતું, આમ હત્યા કરનારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં ડ્રગ્સ વેચતા હતા તેમજ ડ્રગ્સના બંધાણી હતા. જો કે, વટવા પોલીસે કહ્યું કે, આરોપીઓ નશાની ટેવ ધરાવતા હતા પરંતુ તેઓ કોઈ ડ્રગ્સ કે નશાનો કારોબાર કરતા હતા કે, કેમ ? તે તપાસનો વિષય છે.
આરોપીઓ એમડી ડ્રગ્સ વેચતા હતા
મૃતક મોહસિન મેમણના ભાઈ અસલમભાઈએ સમગ્ર મામલે આક્ષેપ કર્યો હતો કે, હત્યા કરનારા આરોપીઓ સૈયદવાડી વિસ્તારમાં એમડી ડ્રગ્સનો કારોબાર કરતા હતા, તેમજ નશો પણ કરતા હતા, ત્યારે મારા ભાઈએ એમડી ડ્રગ્સ વેચવા મુદ્દે આ લોકોનો વિરોધ કર્યો હતો. તેની અદાવતમાં અમારી દુકાનનો કાચ, કારનો કાચ અને છરીઓ બતાવીને આ લોકો ધમકીઓ આપતા હતા. સમગ્ર મામલે સમાધાન કરવાની વાત કરીને આ લોકોએ મારા ભાઈની હત્યા કરી દીધી છે. વધુમાં મૃતકના ભાઈ અસલમ મેમણે કહ્યું હતું કે, આરોપી તબરેજ જેલમાંથી છૂટી ગયા બાદ બે દિવસ પહેલાં જ મારા ભાઈએ પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શન માટે અરજી કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરી નથી.
Recent Comments