• વડોદરા કોર્ટનો ચુકાદો : આરોપીને યોગ્ય સજા ન કરાય તો સમાજમાં ખોટો સંદેશો જશે
• શિક્ષક વિનુ કતારિયાને કોર્ટે બળાત્કાર અને પોક્સોના ગુનામાં દોષિત ઠેરવ્યો

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૧
વડોદરાના અટલાદરા વિસ્તારમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિનીને પાસ કરાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારનાર નરાધમ શિક્ષકને અદાલતે બળાત્કાર અને પોસ્કોના ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગોરવા વિસ્તારની નામાંકિત સ્કૂલના બાયોલોજી વિષયના શિક્ષક વિનુભાઈ કતારિયા (રહે.સહજાનંદ ડુપ્લેક્સ, કલાલી રોડ) સામે બે વર્ષ અગાઉ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીને પાસ કરાવી આપવાના બહાને લાલચ આપી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી. પોલીસે આ બનાવમાં શિક્ષક વિનુભાઈ કતારિયાની ધરપકડ કરી હતી. આ બનાવ પછી શિક્ષક વીનું ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે નરાધમ શિક્ષક વીનું કતારિયાને આજીવન કેદની સજા આપવાનો હુકમ કર્યો હતો. સાથે જ ૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ પણ અદાલતે કર્યો છે. ચુકાદો આપતાં સમયે અદાલતે નોંધ્યું હતું કે આરોપી શિક્ષક હોવાથી અને પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દીકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે. એ જોતાં આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું છે, આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો એનાથી સમાજમાં ખોટો સંદેશો જશે. શિક્ષક અને વિદ્યાર્થિનીના શારીરિક સંબંધોની જાણ વિદ્યાર્થિનીનાં માતા-પિતાને થયા બાદ વિદ્યાર્થિનીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને વ્હોટ્‌સએપ એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું અને આરોપીથી પીછો છોડાવવા માગતી હતી, પરંતુ આરોપીએ વિદ્યાર્થિનીની માતાના મોબાઈલ ઉપર વારંવાર મેસેજ કરી તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવતો હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું. આરોપીને યોગ્ય સજા કરવામાં ન આવે તો તેની વિકૃત માનસિકતા જોતાં આરોપી જેલમુક્ત થયા બાદ ફરીથી શિક્ષણ આપવાના ઓથા હેઠળ અન્ય વિદ્યાર્થિનીઓનું પણ શારીરિક શોષણ કરી ફરીથી આ પ્રકારનો ગુનો આચરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
જ્યારે બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીના પિતાએ, અદાલતના હુકમને આવકાર્યો હતો. પરંતુ સમાજ માટે ભયજનક વિનુ કતારિયાને ફાંસીની સજા થાય તેવી માગણી કરી છે.