અમદાવાદ,તા.૨૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસ પાસે પાસના ૧૧ આગેવાનો સહિત ૪૦ ઉમેદવારોની ટિકિટ માંગી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે ત્યારે બીજીબાજુ, કોંગ્રેસની પ્રથમ યાદીમાં પાસના માત્ર ત્રણ જ ઉમેદવારો જાહેર થતાં અને પાસે માંગેલી અન્ય ૨૯ ટિકિટોમાં કોંગ્રેસે તેના ઉમેદવારો ઉભા રાખી દેતાં પાસની છાવણીમાં રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસ સામે ખુલ્લેઆમ પાસના વિરોધ પાછળ હવે આ કારણ ગુજરાતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. દરમ્યાન પાસ અને કોંગ્રેસ વચ્ચે ટિકિટને લઇ થયેલા કકળાટ મુદ્દે પાસના નેતા હાર્દિક પટેલના સૂચક મૌન અને દિનેશ બાંભણીયાના જાહેર વિરોધની રાજકીય દ્રષ્ટિકોણથી ગંભીર નોંધ લેવાઇ રહી છે. આગામી દિવસોમાં આ સમગ્ર મામલામાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળે તેવી પણ સંભાવના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ હિસાબે ભાજપને હરાવવાની ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે પાસના નેતાઓ દ્વારા કોંગ્રેસ સાથે સીધુ જોડાણ કરવાના બદલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર્‌ની પાટીદારોના વર્ચસ્વવાળી ૪૦ બેઠકો પર તેમના ઉમેદવારોને ટિકિટ માંગવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો એવી પણ જોરશોરથી ચર્ચા હવે બહાર આવી છે કે, હાર્દિક પટેલ અને કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓ વચ્ચે થોડા દિવસો પહેલાં થયેલી બેઠકમાં હાર્દિકે કોંગ્રેસ સાથે સીધુ જોડાણ કરવાને બદલે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તે માટે પાટીદારોને મહત્તમ ટિકિટો ફાળવવા માંગણી કરી હતી અને જેમાં તેના નક્કી કરેલા ઉમેદવારોને જો ટિકિટ અપાય તો, આ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવામાં મદદ કરવાની ખાતરી પણ હાર્દિક પટેલે આપી હતી. એવું કહેવાય છે કે, પાસ દ્વારા કોંગ્રેસને જે ૪૦ નામો અપાયા તેમાં પાસના ૧૧ નેતાઓના નામ પણ હતા પરંતુ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાસના માત્ર ત્રણ જ નેતાના નામ હોવાથી પાસની છાવણીમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઇ છે. પાસના આગેવાનો અને નેતાઓ આ રોષને ખાળી શકયા ન હતા અને રવિવારે રાત્રે જ તે જાહેરમાં ખુલ્લેઆમ કોંગ્રેસના વિરોધ સ્વરૂપે પ્રદર્શિત થઇ ગયો હતો.
બાંભણીયાનો પાસની
ટિકિટના પ્રશ્ને બચાવ
અમદાવાદ, તા.૨૦
પાસના નેતા દિનેશ બાંભણીયા કોંગ્રેસ પાસે ટિકિટ માંગણીના મુદ્દે બચાવની ભૂમિકામાં આવી ગયા હતા. દિનેશ બાંભણીયાએ જણાવ્યુ હતું કે, પાસ તરફથી કોંગ્રેસ પાસે કોઇ ટિકિટો માંગવામાં આવી નથી પરંતુ કોંગ્રેસે કોના કહેવાથી અથવા તો કયા કારણથી પાસના નેતાઓને ટિકિટ ફાળવી તે અમે જાણવા માંગીએ છીએ. કારણ કે, ટિકિટને લઇ પાસમાં અંદરોઅંદર લડાવવાની રાજનીતિ થઇ રહી છે, તેથી અમે સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માંગીએ છીએ.