અમદાવાદ,તા.૬
શહેરના જમાલપુર વિસ્તારમાં નોકરી જવાની બાબતે પિતાએ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ પિતાના ઉપર કાતર વડે જીવલેણ હુમલો કરતા પિતાને ગંભીર ઈજા થઈ હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જમાલપુર વિસ્તારમાં મંગળવારે પીર મોહમ્મદ મકરાણીએ તેમના દીકરા મોહમ્મદ હનીફને કામ ધંધો કરવા કેમ જતો નથી કહીને ઠપકો આપ્યો હતો. જેથી પુત્ર મોહમ્મદ હનિફે કામધંધો કરવા નહીં જાઉ કહીંને ઉશ્કેરાઈ જઈ તેના પિતા પીર મોહમ્મદને જ બિભત્સ ગાળો ભાંડી લોખંડની કાતરથી હુમલો કર્યો હતો. જેમાં પિતાને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.