(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
ધો.૧૨ની પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીએ પિતા દ્વારા ઘરમાં રહેવાના પગલે આપેલા ઠપકાથી પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના ગાજરાવાડી વિસ્તારમાં અંબિકા ડુપ્લેક્સમાં રહેતી ૧૭ વર્ષીય નંદિની રણજીતભાઇ ચુનારાએ તાજેતરમાં જ ધો.૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ નંદિનીના પિતાએ તેને ઘરમાં રહેવા અને ઘરના કામકાજમાં ધ્યાન આપવા જણાવ્યું હતું. પરંતુ નંદિની ઘરમાં ન રહી બહાર જ ફર્યા કરતી હોય તેના પિતાએ નંદિનીને ઠપકો આપતા તેને મનમાં લાગી આવ્યું હતું જેના પગલે નંદિનીએ ઘરમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.