અંકલેશ્વર, તા.૩
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને સાંસદ મર્હૂમ અહમદભાઈ પટેલના કાર્યોની અને જનસેવાની સુવાસ ચારે તરફ ફેલાયેલી રહી છે. તેઓના નિધન બાદ સમગ્ર ભરૂચ જિલ્લા અને ગરીબવર્ગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે તેમના કાર્યોની સુવાસ ફેલાવવાનું તેમના પુત્ર અને પુત્રીએ બિડું ઝડપ્યું છે. પુત્ર ફૈઝલ પટેલ તથા મુમતાઝ પટેલ સિદ્દીકી ગતરોજ અત્રેના પીરામણા ગામમાં તેઓના આદિવાસી વિસ્તાર તથા ગરીબ વિસ્તારની મુલાકાત લઈ ગરીબ લોકોને રૂબરૂ મળ્યા હતા. જ્યાં તેઓના પિતાની કેટલીક યાદ તાજી થઈ હતી ત્યારે ફૈઝલ પટેલ તથા મુમતાઝ પટેલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, મારા મર્હૂમ પિતાના મદદરૂપ થવાના કાર્યોને અમો આગળ ધપાવીશું, તમે મારા મર્હૂમ પિતા માટે પ્રાર્થના કરજો. અમે બંને ભાઈ-બહેન સદાયે તમારી સાથે જ છીએ કોઈપણ કામ યા તો મદદ માટે જણાવજો.