BCCIએ ઝડપી બોલરની પ્રશંસા કરી

સિડની, તા.રર
મોહમ્મદ સિરાજ હાલ ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને આ યુવા બોલરે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, બોર્ડે તેની સાથે ચર્ચા કરી સ્વદેશ પરત ફરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પણ સિરાજે આ પ્રસ્તાવ ઠુકરાવી ઓસ્ટ્રેલિયામાં રહેવાનો નિર્ણય કર્યો છે. સિરાજે જેવું જ નેશનલ ડ્યુટી ઉપર રહેવાનો નિર્ણય કર્યો છે તો બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેના આ નિર્ણયની પ્રશંસા કરતા ટિ્‌વટ કર્યું કે, મોહમ્મદ સિરાજને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂતી મળે. એક ક્રિકેટરના રૂપમાં સિરાજની સફળતામાં તેના ઓટોચાલક પિતાની મહત્ત્વની ભૂમિકા રહી. જેમણે પોતાના પુત્રની મહત્ત્વાકાંક્ષાનું સમર્થન કર્યું. બીસીસીઆઈએ કહ્યું કે, ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે પોતાના પિતાને ગુમાવી દીધા. બીસીસીઆઈએ સિરાજે સાથે વાત કરી તેને દુઃખના સમયમાં પોતાના પરિવાર સાથે રહેવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ ઝડપી બોલરે ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો. બીસીસીઆઈ તેનું દુઃખ સમજે છે અને આ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપશે.