વડોદરા,તા.૯
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરીક્ષાના ૩ દિવસ પૂર્વે પિતાનું મૃત્યુ થયા બાદ મક્કમ મન રાખીને પરીક્ષા આપનાર મહેનતકશ પરિવારની દીકરીએ ધોરણ ૧૦માં ૯૪.૯પ પર્સેન્ટાઈલ મેળવીને શિક્ષણનો પ્રથમ તબક્કો પૂરો કર્યો છે.
વડોદરાના કિશનવાડી ખોડિયારચોકમાં રહેતી મિતાલી દરજીએ જણાવ્યું હતું કે, હું દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઈસ્કૂલમાં ગુજરાતની માધ્યમમાં અભ્યાસ કરૂં છું. ધો.૧૦ની પરીક્ષામાં ૯૪.૯પ પર્સેન્ટાઈલ સાથે પાસ થઈ ગઈ છું પરંતુ આજે મારા પપ્પા જીવતા હોત તો મારી ખુશી બમણી હોત. બોર્ડની પરીક્ષાના પ્રારંભના ત્રણ દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં પિતાનું મૃત્યું થયું હતું. પિતાના અવસાન બાદ અમે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. વાંચવાનું પણ મન થતું ન હતું. હાથમાં ચોપડી લઉં, પણ મન લાગતું ન હતું. મમ્મી સતત રડ્યા કરતી હતી. તેને જોઈને હું પણ મારા આંસુ રોકી શકતી ન હતી. એક તબક્કે પરીક્ષા ન આપવાનો વિચાર કરી લીધો હતો પરંતુ પિતાની મને ડોક્ટર બનાવવાની ઈચ્છા હોવાથી મન મક્કમ કરીને પરીક્ષા આપી હતી. જો કે પિતાની ડોક્ટર બનાવવાની ઈચ્છા તો પૂરી કરી શકું તેમ નથી. વધુમાં મિતાલીએ જણાવ્યું કે, પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી મમ્મી વૈશાલીબહેન ઉપર આવી ગઈ છે. મારી માતા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલર તરીકે નોકરી કરે છે. અમે ૩ ભાઈ-બહેન છે. મારો અને મારા ભાઈ-બહેનનો ભણવાનો ખર્ચ કાઢવો વર્તમાન સ્થિતિમાં મુશ્કેલ છે. જો કે, મમ્મી અમને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે તૈયાર છે. પિતા જીવતા હોત તો મે ચોક્કસ ડોક્ટર બનવા માટે મહેનત કરી હોત પરંતુ હવે મારા માટે શક્ય નથી. હું એન્જિનિયરિંગમાં જવા માંગુ છું.