ગોધરા, તા.૨૮
ગોધરા ખાતે સરકારી ક્વોરેન્ટાઇનમાં આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. હત્યાના એક આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી છે. દાહોદ રોડ ઉપર આવેલ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતેના સરકારી ક્વોરેન્ટાઇન બિલ્ડીંગમાં આ બનાવ બન્યો હતો. કોવિડ ૧૯ની ગાઈડલાઈન મુજબ હત્યાના આરોપીને કોરોના પરીક્ષણ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના બાદ તેણે અહીં જ ગળેફાંસો ખાધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિરીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના નાની ડસાર ગામમાં બે દિવસ પહેલા એક પુત્રએ પિતાની હત્યા કરી હતી. પુત્ર પ્રવીણ પરમાર અને પુત્રવધુ વચ્ચે થયેલ બોલાચાલી અંગે પિતાએ ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાયો હતો. પ્રવીણ અવારનવાર તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેથી મંગળવારે બોલાચાલીમાં તેના પિતા વચ્ચે પડ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ હાથની આંટી મારી પિતાનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. પિતાની હત્યા સમગ્ર મામલે કાકણપુર પોલીસ મથકે પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાઇ હતી.