અમદાવાદ, તા.૬

શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો તેમને પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા ૧૦ દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, તેઓ ૧૦ દિવસથી સારવાર મેળવી રહ્યા હતા. તેમની તબિયત પણ સુધારા પર હતી. હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવતું ત્યારે પૈસા પણ ભરતા હતા. અત્યાર સુધી કુલ સારવારના ૧૧ લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા છતાં આજે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે, તેમને તેમના સ્વજન જ જોઈએ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવો દાવો કરવામાં આવ્યો છે પરંતુ હવે તપાસ થાય છે પણ તટસ્થ તપાસ થશે ? કે પછી કુલડીમાં ગોળ ભંગાશે.