(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૫
શહેરના મકરપુરા જીઆઇડી વિસ્તારમાં આવેલા કાશીબાનગરમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ પોતાની સગાઇ થવાની હતી. ત્યારે પિતા સગાઇનો ખર્ચ કેવી રીતે કરશે તેની ચિંતામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કાશીબાનગરમાં રહેતી ૧૯ વર્ષીય ઝીનતમોહંમદ શોહેબખાન શેખ ઘરકામ કરતી હતી. આગામી દિવસોમાં તેની સગાઇ થવાની હતી. ઝીનલના પિતા શોએબ ખાનને હૃદય રોગની બિમારી હતી અને ઘરની આર્થિક પરિસ્થિત સારી ના હતી. જેથી ઝીનત હંમેશા પિતા તેની સગાઇનો ખર્ચ કેવી રીતે ઉપાડશે તેમ વિચારી માનસિક તાણમાં રહેતી હતી. પિતાની આર્થિક પરિસ્થિત સારી ના હોવાથી પિતા પર બોજ ન બનવા ઝીનતે પોતાના ઘરનાં રસોડામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારજનોએ ઝિનતનો મૃતદેહ લટકતો જોતા તેમના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. અને પરિવારમાં રોક્કડથી ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતા આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતા. દોડી આવેલી માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.