(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી પર સીબીઆઈનો ગાળિયો કસાયો છે. નીરવ મોદીના મુંબઈ સ્થિત પર ઈડીના દરોડા પડ્યાં તો મોદીના સૂરતના ૩ તથા દિલ્હીના એક ઠેકાણે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રીય સતર્કતા આયોગે પીએનબીના બે મુખ્ય નાણાકીય અધિકારીઓને સમન્સ પાઠવીને હાજર થવાનું કહેણ મોકલાવ્યું હતું. સીબીઆઈએ નીરવ મોદીની કંપનીના બીજા ચીફ ફાઈનાન્સ ઓફિસર રવિ ગુપ્તાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. એક દિવસ પહેલા કંપની બીજા એક સીએફઓ વિપુલ અંબાણીની સીબીઆઈએ પૂછપરછ કરી હતી. રવિવારે પાંચ કલાક પુછપરછ કરી હતી. વિપુલ અંબાણી ગત ત્રણથી ચાર વર્ષોથી આ હોદ્દા પર હતા. સીબીઆઈએ રવિવારે પીએનબીની બ્રેડી રોડ શાખામાં સઘન તલાશી લીધી હતી જે પછી સોમવારે આ બ્રાન્ચને સીલ મારી દેવામાં આવ્યું હતું. બેન્કની શાખાને સીલ મારવામાં આવ્યાં બાદ અહીંનું તમામ કામકાજ ઠપ્પ થયું હતુ. સીબીઆઈ નીરવની પણ પૂછપરછની તૈયારી કરી રહી છે સીબીઆઈએ બેન્કની બહાર એક નોટીસ લગાડી હતી જેની પર લખવામાં આવ્યું હતું કે આ બ્રાન્ચને નીરવ મોદી કેસને કારણે સીલ કરવામાં આવી રહી છે. હાલ પૂરતું આ બ્રાન્ચનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. સીબીઆઈએ રવિવારે મુંબઈમાં બ્રેડી રોડ પર ઝડપી દરોડા પાડ્યાં હતા. પીએનબીના આ બ્રાન્ચમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં નીરવ મોદી અને ચોકસી સામેલ છે. સીબીઆઈ અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈ ચીફ ફાઈનાન્સિયલ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. આ પહેલા બેન્ક કૌભાંડમાં સીબીઆઈએ મુંબઈમાં પંજાબ નેશનલ બેન્કની બ્રેડ હાઉસ શાખા પરિસરને સંપૂર્ણ રીતે સીલ મારી દીધું હતું. બેન્કના જનરલ મેનેજર સહિત ૫ અધિકારીઓની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. રવિવારે પૂર્વ અધિકારી ગોકુલનાથ શેટ્ટી અને મનોજ કારત તથા નીરવ મોદી ગ્રુપના અધિકૃત હસ્તાંક્ષરકર્તાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.