દિલ્હી, તા. ૨૨
પંજાબ નેશનલ બેન્કનો કૌભાંડી નીરવ મોદી પર તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલુ છે. ઈડીએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ નીરવ મોદી જૂથની ૨૧ સંપત્તિઓ કે જેની કિંમત ૫૨૩ કરોડ થવા જાય છે, તે જપ્ત કરી છે. તેમાં એક ફ્લેટ અને ફાર્મહાઉસનો સમાવેશ થાય છે. જપ્ત કરવામાં આવેલી આ સંપત્તિઓની કિંમત ૫૨૩ કરોડ હોવાનું કહેવાય છે. ઈડી નીરવ મોદીના ઠેકાણે લગાતાર દરોડા પાડી રહી છે. આ પહેલા એક બાતમીદારની બાતમીને આધારે શુક્રવારે એક ગોદામમાં પણ દરોડા પાડવામાં આવ્યાં ત્યારે ઈડીને ઘણી મોઘી ઘડિયાળો હાથ લાગી હતી. ગુરુવારે પણ મોદીની કંપનીઓની સાથે ગુરૂવારે ઈડીએ નીરવ અને તેમની કંપનીઓની ૯ મોંઘી આલિશાન કાર જપ્ત કરી હતી. ઈડીએ નીરવ મોદીની જે વૈભવી કારોને જપ્ત કરી છે તેમાં એક રોલ્સ રોયસ ગોરટ, બે મર્સિડીઝ, ૩૫૦ સીડીઆઈએસ, એક પોશ પનારોમા, ૩ હોન્ડા કાર એક ટોયેટો ફોર્ચુનર અને એક ટોયેટો ઈનોવા સામેલ છે. રોલ્ય રોયસ કારની કિંમત ૬ કરોડ કહેવામાં આવે છે. તે ઉપરાંત ઈડીએ નીરવ મોદીના ૭.૮૦ કરોડની કિંમતના મ્યુચ્યુઅલ ફંડ અને શેર પણ જપ્ત કર્યાં હતા.નીરવ મોદીના ખાતામાંથી ૩૦ કરોડ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. ઈડીએ ૧૩.૮૬ કરોડના શેર પણ જપ્ત કર્યાં હતા. પીએનબી કૌભાંડમાં આરોપી નીરવ મોદીના જવાબ પર ઈડીએ તેમને ફરી વાર સમન પાઠવ્યું છે. આ નીરવ મોદીને પાઠવવામાં આવેલું ત્રીજું સમન છે. તેમાં નીરવને ૨૬ ફેબ્રુઆરીના રોજ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. જો રજૂ નહીં થાય તો પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગત અઠવાડિયે આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં નીરવ મોદી, તેના પરિવારની ૨૯ સંપત્તિઓ અને ૧૦૫ બેન્ક ખાતાઓ સીલ કરવામાં આવ્યાં હતા. સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કના ૧૧,૪૦૦ કરોડ કૌભાંડની તપાસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની ફાયર સ્ટાર ડાયમંડ કંપનીના સીએફઓ અને ધીરૂભાઈની ભત્રીજી કવિતાની ધરપકડ કરી હતી. બેન્કીંગ સેક્ટરના સૌથી મોટા કૌભાંડના આરોપી નીરવ મોદીની કંપનીઓ પર આવકવેરા વિભાગ ગત વર્ષના જાન્યુઆરીમાં દરોડા પાડ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મોદીની ૨૧ અચલ સંપત્તિઓને હંગામી ધોરણે જપ્ત કરવામાં આવી હોવાનું ઈડીએ કહ્યું છે. જેમાં છ રહેણાંકની સંપત્તિઓ, ૧૦ ઓફિસ પરિસર,બે ફ્લેટ તથા એક સૌલર પાવર પ્લાન્ટ તથા ફાર્માહાઉસ તથા અહેમદનગર જિલ્લામાં ૧૩૫ એકર જમીન સામેલ છે.