(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
પંજાબ નેશનલ બેન્કના ૧૧,૩૦૦ કરોડના કૌભાંડમાં એક નવો ફણગો ફૂટ્યો છે. કૌભાંડમાં બ્રાન્ચના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ સેટ્ટીનું નામ પહેલેથી સામે આવી રહ્યું છે. હવે જાણકારી મળી છે કે સ્વિફ્ટ પ્રોગ્રામ પ્રોસેસના પાસવર્ડ ગોકુલનાથ શેટ્ટીની સાથે સાથે કેટલાક બીજા અધિકારીઓ પણ જાણતા હતા અને તેઓ તમામ કથિત રીતે નીરવ મોદીને મદદ કરતાં હતા. શેટ્ટીએ તેને માટે જરૂરી લેવલ-૫ પાસવર્ડને નીરવના કર્મચારીઓ માટે શેર કર્યાં હતા. તેણે આ કૌભાંડમાં બેન્કના બીજા કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની કબૂલાત કરી છે. શનિવારે આ તમામ જાણકારી સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવી. સ્વિફ્ટ પ્રોસેસ એક પ્રકારનું મેસેજિંગ નેટવર્ક હોય છે. પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલી માહિતી મોકલવા કે પ્રાપ્ત કરવા માટે તેને સૌથી સુરક્ષિત, તેજ સિસ્ટમ માનવામાં આવે છે. પરંતુ આ કેસમાં આ સિસ્ટમ પીએનબીની ઈન્ટરનલ સિસ્ટમ સાથે જોડાયેલી નહોતી તેનો અર્થ એવો થાય કે કર્મચારીને પોતાની રીતે ઈન્ટરનલ સિસ્ટમમાં એન્ટ્રી કરવાની હોય છે અને જો તે આવું ન કરે તો થયેલી લેવડદેવડની માહિતી મળતી નથી. આ લેવડદેવડ બેન્કિંગ સિસ્ટમમાં ક્યાંય પણ દેખાતી નથી. પાસવર્ડની બીજા કર્મચારીઓની જાણ હોવી પીએનબીના સીનીયર બેન્ક અધિકારીઓને સામાન્ય વાત લાગી. તેમણે કહ્યું કે સવાર-સવારમાં બેન્કોની લોકોની ભીડ જામી જાય છે અને બેન્કોને ૧૦૧ કામો જોવાના હોય છે.