(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સાંડેસરા બંધુના કથિત બેંક છેતરપિંડીના કેસમાં સંડોવણી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલની દિલ્હીના તેમના નિવાસે જઇને ત્રીજીવાર પૂછપરછ કરી છે. આ પહેલા ઇડીએ ૭૦ વર્ષના નેતાને આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેમણે વરિષ્ઠ નાગરિકોને કોરોનાવાયરસને કારણે ઘરમાં જ રહેવાની સલાહને ટાંકતાં ઇડીએ ૨૭ અને ૩૦મી જૂને તેમના નિવાસે જઇને પૂછપરછ કરી હતી. અધિકારીઓ અનુસાર દિલ્હીના લુટિયન્સ ઝોનમાં ૨૩, મધર ટેરેસા ક્રેસન્ટ ખાતે અહમદ પટેલના નિવાસે બપોરે ઇડીની ટીમ પહોંચી હતી. ટીમના સભ્યોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક તથા ગ્લવ્સ પહેર્યા હતા અને હાથમાં ફાઇલો હતી. તેમણે કહ્યું કે, અહમદ પટેલનું નિવેદન પીએમએલએ અંતર્ગત નોંધવામાં આવે છે અને સાંડેસરા બંધુની સાથે તેમના કથિત સંબંધો મામલે પણ પૂછપરછ કરાઇ છે.
એજન્સીએ ગયાવર્ષે અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને જમાઇ ઇરફાન અહમદ સિદ્દીકીની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યાં હતાં. આ બંનેની પૂછપરછ સાંડેસરા ગ્રૂપના કર્મચારી સુનિલ યાદવના નિવેદનના આધારે કરાઇ હતી. સુનિલ યાદવનું નિવેદન તાજેતરમાં જ નોંધવામાં આવ્યું હતું. આ મની લોન્ડરિંગનો કેસ વડોદરા ખાતેની સ્ટર્લિંગ બાયોટેક અને તેના મુખ્ય પ્રમોટર્સ તથા ડિરેક્ટર્સ નીતિન જયંતિલાલ સાંડેસરા, ચેતનકુમાર જયંતિલાલ સાંડેસરા અને દિપ્તી સાંડેસરા દ્વારા કરાયેલી કથિત ૧૪,૫૦૦ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી મામલે પીએમએલએ હેઠળ ચાલી રહ્યું છે. એજન્સીએ કહ્યું છે કે, આ કેસ નીરવ મોદી અને મેહૂલ ચોકસી દ્વારા કરાયેલા પીએનબી કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ છે.