રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીની વીડિયો કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોરોના વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે વડાપ્રધાન મોદી દ્વારા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય યોગ્ય હતો. આ પહેલા સૂત્રોએ જણાવી દીધું હતું કે, હાલના લોકડાઉનને વધારવાના પીએમ મોદીએ સંકેત આપ્યા છે કારણ કે સ્થિતિ ગંભીર બની રહી છે. અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કર્યું હતું કે, ‘‘લોકડાઉન વધારવાનો પીએમ મોદીએ યોગ્ય નિર્ણય લીધો છે. આજે દેશની સ્થિતિ વિકસિત દેશો કરતા સારી છે જે લોકડાઉનને આભારી છે. જો આજે તેને સમાપ્ત કરવામાં આવે તો તમામ ફાયદા ગુમાવી દેવાશે. તેને વધુ મજબૂત કરવા માટે લોકડાઉન લંબાવવાનું મહત્વપૂર્ણ છે.’’ ચર્ચા દરમિયાન પણ કેજરીવાલે લોકડાઉનનું સમર્થન કરતા કહ્યું હતું કે, જો લોકડાઉન વધારવાનું રાજ્યો નક્કી કરશે તો તે કોરોના વાયરસ વિરૂદ્ધ અસરકારક નિવડશે નહીં. જો લોકડાઉન હળવું કરાય તો તમામ પ્રકારના પરિવહન, રેલ કે માર્ગને પરવાનગી આપવી જોઇએ નહીં.