(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કેન્દ્ર સરકારથી અલગ થયા બાદ આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, ઘણીવાર તેમની સમસ્યાઓને લઇ તેઓ પીએમ મોદીને મળવા માગતા હતા અને બાત કરવા માગતા હતા પરંતુ તેમણે ક્યારેય સમય આપ્યો નથી. આ અંગે કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું કે, કેટલા દુર્ભાગ્યની વાત છે કે, પીએમ મોદીએ આટલા મહત્વપૂર્ણ મુદ્દે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો ફોન ના ઉપાડ્યો. આ બાબત આંધ્રપ્રદેશના લોકોના હિતમાં નથી. ટીડીપી નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી વાયએસ ચૌધરીએ કહ્યંુ કે આ સારૂ પગલું નથી પરંતુ પરિસ્થિતિવશ અમે મંત્રી પદ છોડી રહ્યા છે. અમારા અધ્યક્ષે કહ્યું છે કે, અમે એનડીએના ભાગ તરીકે જળવાઇ રહીશું અને અમે પીએમ મોદીને પણ મળીશું. ઉલ્લેખનીય છે કે, ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પાર્ટીએ બુધવારે કેન્દ્ર સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીડીપીએ પોતાના બે કેન્દ્રીય મંત્રીઓને સરકારમાંથી પરત બોલાવી લીધા છે. નાયડુએ કહ્યું છે કે, કોઇ નિર્ણય લેતા પહેલા હું પીએમ મોદીને મળવા માગતો હતો. આ અંગે મેં ઘણીવાર તેમને મળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની તરફથી ક્યારેય સમય અપાયો નહોતો. હવે હું જોવા માગુ છું કે, ભાજપ આગળ કેવી રીતે કામ કરે છે. નાયડુએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર કોઇપણ રાજ્ય સરકાર અથવા પોતાના સહયોગીઓની વાત સાંભળવા તૈયાર નથી. અમે શરૂઆતથી જ આંધ્ર માટે વિશેષ માગ કરી રહ્યા હતા જેની જાણ પીએમને હતી. તેમણે કહ્યું કે, મેં મારા સ્તરે આંધ્રપ્રદેશને લઇ કેન્દ્ર સરકારનો વિચાર બદલવાની ઘણીવાર કોશિશ કરી પરંતુ મને સફળતા મળી નહોતી. મારા રાજ્ય માટે આ ઘણો મહત્વપૂર્ણ સમય હતો. તેથી મેં મારા રાજ્ય માટે અવાજ ઉઠાવ્યો હતો અને જરૂર પડ્યો હજુ પણ અવાજ ઉપાડતો રહીશ.