(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પીએમ મોદીના દાવોસ ભાષણનું સ્વાગત કરતાં ચીને કહ્યું કે સાથે મળીને સંરક્ષણવાદની સામે લડીશું. ચીને કહ્યું કે વૈશ્વિકરણને પ્રોત્સાહન આપવામાં તથા વૈશ્વિક અર્થતંત્રને સારી દિશામાં લઈ જવામાં બનને દેશો સહિયારૂ હિત ધરાવે છે. મંગળવારે વિશ્વ આર્થિક મંચના વાર્ષિક સમિટને સંબોધિત કરતાં મોદીએએ સંરક્ષણવાદ અને આતંકવાદને દુનિયાની સૌથી મોટી સમસ્યા તરીકે ઓળખાવી હતી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની અમેરિકા ફસ્ટ નીતિને આલોચના કરી હતી. મોદીએ કહ્યું કે ઘણા દેશો આત્મકેન્દ્રી બન્યાં છે અને પરિણામે વૈશ્વિકરણનો વ્યાપ સંકોરાઈ રહ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુ ચુનયીંગે કહ્યું કે વડાપ્રધાન મોદીની સંરક્ષણવાદ પરની ટીપ્પણી અમે જોઈ છે અને તેમની ટીપ્પણી સાબિત કર્યું છે કે વૈશ્વિકરણ આજના સમયનો પ્રવાહ છે. તેમાં વિકસીત દેશો સહિત તમામ દેશોના હિત સારે છે. પ્રવક્તાએ ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગના ગત વર્ષના દાવોસ ખાતેના ભાષણને યાદ કર્યું. જેમાં ચીની રાષ્ટ્રપતિએ સંરક્ષણવાદની સામે વાત કરી હતી. પ્રવક્તાએ કહ્યું કે આર્થિક વૈશ્વિકરણની દિશા બદલીને તેનો લાભ વિશ્વ આર્થિક વિકાસને આપવા તથા તમામ દેશોનું કલ્યાણ કરવા માટે ભારત સહિતના દેશોની સાથે ચીન સહયોગ વધારવા ઈચ્છુક છે. તેમણે કહ્યું કે અમારૂ વલણ સ્પષ્ટ છે. ભારત ચીનનો મોટો પડોશી દેશ છે. બે વિકસીત દેશ અને ગાઢ પડોશી તરીકે અમને આશા છે કે અમે બન્ને દેશોના નક્કર અને ઝડપી દ્વિપક્ષીય સંબંધોને જાળવી રાખવા માંગીએ છીએ. સંવાદ, પારસ્પરિક વિશ્વાસમાં વધારો કરવા તથા અમારી વચ્ચેના મતભેદોનું યોગ્ય રીતે નિવારણ લાવવા માટે તથા બન્ને દેશો વચ્ચેના સંબંધોને નક્કર રીતે જાળવી રાખવા માટે અમે ભારત સાથે કામ કરવા આતુર છીએ.