(એજન્સી) ચેન્નઈ, તા. ૧૭
તમિલનાડુની રાજનીતિમાં ભાજપનો કોઈ જનાધાર નથી પરંતુ વડાપ્રધાન મોદીની સલાહ પર એક મોટો રાજકીય નિર્ણય કરવામા આવ્યો હોવાનું જણાયું છે. આ નિર્ણયને કારણે એઆઈએડીએમક પક્ષ ધ્વસ્ત થતાં બચી ગયો હતો. તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમે કહ્યું છે કે વડાપ્રધાન મોદીના સૂચનને શિરોમાન્ય ગણીને પલાનીસામી જૂથમાં વિલય કર્યો હતો. પનીરસેલ્વમે કહ્યું કે વડાપ્રધાન મોદીએ મને કહ્યું હતું કે પાર્ટી બચાવવા માટે તમારે એઆઈએડીએમકે સાથે હાથ મિલાવી લેવો જોઈએ. ત્યારે મેં હા પાડતાં કહ્યું હતું હું કોઈ મંત્રી નહીં બનું અને ફક્ત પાર્ટી માટે કામ કરતો રહીશ. મોદીએ મને મંત્રી પદ સંભાળીને રાજનીતિમાં ભાગ લેવા માટે કહ્યું હતું અને તેને કારણે હું મંત્રી બન્યો છું. પનીરસેલ્વમે ભાવુક બયાન આપતાં કહ્યું કે મેં જે મુશ્કેલીઓ અને અપમાનો વેઠ્યાં તેની કોઈ હદ નથી. મારી જગ્યાએ બીજો કોઈ હોત તો અત્યાર સુધીમાં આત્મહત્યા કરી નાખી હોત. પોતાનું રાજકીય કદ જયલલિતાને આપતાં તેમણે કહ્યું કે હું અમ્માને કારણે જ આટલી મોટી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શક્યો છું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ એઆઈએડીએમકેની બન્ને છાવણીના વિલયનું સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે તમિલનાડુના વિકાસ માટે કેન્દ્ર સરકાર મુખ્યમંત્રી પલાનીસામી અને ઉપમુખ્યમંત્રી પનીરસેલ્વમનો પુરતો ટેકો આપશે. મોદીએ તે વખતે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે હું પનીરસેલ્વમ અને શપથ લેનાર તમામને અભિનંદન આપું છું. મને આશા છે કે આવનાર સમયમાં તમિલનાડુ વિકાસની નવી ઊંચાઈએ પહોંચશે. એઆઈએડીએમકે વિલયમાં મોદી અને અમિત શાહે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.